ધવન-રહાણેએ કર્યું લંકાહરણ

03 November, 2014 03:25 AM IST  | 

ધવન-રહાણેએ કર્યું લંકાહરણ





અજિંક્ય રહાણે અને શિખર ધવનની ૨૩૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપને કારણે ટીમ ઇન્ડિયાએ પાંચ મૅચો પૈકીની પહેલી મૅચમાં શ્રીલંકાને ૧૬૯ રને હરાવ્યું હતું. રહાણેએ ૧૦૮ બૉલમાં ૧૧૧ રન કરીને પોતાની બીજી સેન્ચુરી કરી અને શિખર ધવને ૧૦૭ બૉલમાં ૧૧૩ રન કરતાં ભારતે પાંચ વિકેટે ૩૬૩ રન કર્યા હતા. શિખર ધવને પોતાની ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કરેલી સેન્ચુરી બાદ આજે છઠ્ઠી સદી ફટકારી હતી. વિકેટકીપર કુમાર સંગકારાએ બન્ને ખેલાડીઓના કૅચ છોડીને તેમને એક-એક જીવતદાન આપ્યાં હતાં.

પોતાની ૨૦૦મી વન-ડે રમી રહેલા સુરેશ રૈનાએ ૩૪ બૉલમાં બાવન રન કરીને ધડબડાટી બોલાવી હતી. જવાબમાં ફાસ્ટ બોલર ઇશાન્ત શર્મા તથા સ્પિનરોએ શ્રીલંકાના કોઈ પણ ખેલાડીને મોટી પાર્ટનરશિપ નહોતી કરવા દીધી. એક વર્ષ પછી ફરીથી ટીમ ઇન્ડિયામાં આવેલા ઇશાન્તે ૮ ઓવરમાં માત્ર ૩૪ રન આપ્યા હતા. એટલું જ નહીં, કુમાર સંગકારા અને એશન પ્રિયંજનને આઉટ કર્યા હતા. માહેલા જયવર્દનેએ ૩૬ બૉલમાં ૪૩ રન કર્યા હતા. જોકે અન્ય બૅટ્સમેનો નિષ્ફળ ગયા હતા. વરુણ ઍરોને દુખાવાને કારણે મૅચની ૧૩મી ઓવર પૂરી કર્યા વિના જ મેદાન છોડી જવું પડ્યું હતું.  શાનદાર સેન્ચુરી કરવા બદલ અજિંક્ય રહાણેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે બીજી મૅચ અમદાવાદમાં ગુરુવારે ૬ નવેમ્બરે રમાશે.

વન-ડે નાં ચમકારા


ટીમ ઇન્ડિયાએ ૩૫૦ કરતાં વધુ રન ૨૦ વખત બનાવ્યા છે. વળી આટલા રન બનાવ્યા બાદ એ કદી હારી નથી.

ગયા વર્ષે જયપુરમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરીને ટીમ ઇન્ડિયા જીતી હતી.

૨૧થી ૩૦ ઓવર દરમ્યાન ભારતે સૌથી વધુ ૧૫૦ રન બનાવ્યા હતા. છેલ્લાં ૧૪ વર્ષનો આ રેકૉર્ડ છે.

સુરેશ રૈનાએ પોતાની પહેલી ૧૦૦ વન-ડેમાં ૧૮થી વધુ વખત ૫૦ કરતાં વધુ રન બનાવ્યા છે. ત્યાર બાદની ૧૦૦ વન-ડેમાં પણ ૧૦૦ કરતાં વધુ રન બનાવ્યા છે.

સુરેશ રૈનાએ ૨૦૦ વન-ડેમાં ૫૦૦૦ કરતાં વધુ રન કર્યા છે. આવું કરનારો તે ૧૧મો ભારતીય બૅટ્સમૅન બન્યો છે.

બન્ને ભારતીય ઓપનર બૅટ્સમેનોએ સદી ફટકારી હોય એવો આ છઠ્ઠો બનાવ હતો. તો શ્રીલંકા સામે બીજો બનાવ હતો.