ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો વૈભવ

24 July, 2026 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફુલ મેમ્બર નેશન ટીમોમાંથી આ કમાલ છેલ્લે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે કરી હતી

પહેલી ઇન્ટરનૅશનલ ફિફ્ટીની ઉજવણી કરતો ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી.

ભારતનો ઓપનર વૈભવ સૂર્યવંશી ગુરુવારે હરારેમાં ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. ૧૫ વર્ષ ૧૧૮ દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ નેપાલના બૅટિંગ ઑલરાઉન્ડર કુશલ મલ્લાના વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો. કુશલ મલ્લાએ ૨૦૨૦માં અમેરિકા સામેની તેની વન-ડે ડેબ્યુ મૅચમાં ૧૫ વર્ષ ૩૪૦ દિવસની ઉંમરે ૫૦ રન બનાવ્યા હતા.
ફુલ મેમ્બર નેશન ટીમોમાંથી આ કમાલ છેલ્લે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે કરી હતી. તેણે ૧૯૮૯માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે ૧૬ વર્ષ ૨૧૩ દિવસની ઉંમરે ટેસ્ટ-ફિફ્ટી નોંધાવી હતી. ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સ દરમ્યાન સચિને ૧૭૨ બૉલમાં ૪ ફોરની મદદથી ૫૯ રન કર્યા હતા. 
T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પણ ફિફ્ટી ફટકારનાર યંગેસ્ટ ક્રિકેટરનો પાંચ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો છે. છેલ્લે ૨૦૨૧માં જિબ્રાલ્ટરના ખેલાડી લુઇસ બ્રૂસે માલ્ટા દેશ સામે ૧૬ વર્ષ ૫૬ દિવસની ઉંમરે T20 ફિફ્ટી નોંધાવી હતી. ફુલ મેમ્બર નેશન ટીમોમાંથી આ રેકૉર્ડ છેલ્લે ૨૦૧૯માં અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાઝે ઝિમ્બાબ્વે સામે કર્યો હતો. તેણે ૧૭ વર્ષ ૨૯૬ દિવસની ઉંમરે T20 ફિફ્ટી ફટકારી હતી. 

વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન
રન    ૫૦
બૉલ    ૧૯
ફોર    ૪
સિક્સ    ૪
સ્ટ્રાઇક-રેટ    ૨૬૩.૧૬

sports news sports indian cricket team cricket news vaibhav sooryavanshi zimbabwe t20