યુએસ ઓપન ફાઈનલમાં અઝરેન્કા સેરેના આમને સામને

09 September, 2012 05:55 AM IST  | 

યુએસ ઓપન ફાઈનલમાં અઝરેન્કા સેરેના આમને સામને



ન્યુ યૉર્ક: યુએસ ઓપનમાં શુક્રવારે રાત્રે રમાયેલી મહિલાઓની સેમી ફાઇનલમાં વર્લ્ડ નંબર વન બેલારુસની વિક્ટોરિયા અઝરેન્કાએ રશિયાની મારિયા શારાપોવાને ૩-૬, ૬-૨, ૬-૪થી હરાવી હતી, જ્યારે બીજી સેમીમાં અમેરિકાની લોકલ સ્ટાર અને ૧૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સેરેના વિલિયમ્સે ઇટલીની સારા એરાનીને એકતરફી મૅચમાં ૬-૧, ૬-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આમ વર્લ્ડ નંબર વન વિક્ટોરિયા અઝરેન્કા અને લોકલ તેમ જ તાજેતરમાં વિમ્બલ્ડનમાં જીત મેળવ્યા બાદ ફુલ ફૉર્મમાં રમી રહેલી સેરેના વિલિયમ્સ વચ્ચે જોરદાર ટક્કર થવાના ચાન્સિસ છે.

અઝરેન્કાએ પહેલી વાર યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે સેરેના ૧૯૯૯, ૨૦૦૨ અને ૨૦૦૮માં ચૅમ્પિયન અને ૨૦૦૧ અને ૨૦૧૧માં રનર-અપ રહી ચૂકી છે. ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલ દરમ્યાન અમ્પાયરના એક નિર્ણય સામે સેરેના નારાજ થતાં વાદવિવાદમાં ઊતરી હતી અને અંતે ૨-૬, ૩-૬થી આસાનીથી ઑસ્ટ્રેલિયાની સામન્થા સ્ટાસૂર સામે મૅચ હારી ગઈ હતી. જોકે સેરેનાને તેના વર્તન બદલ દંડ કરવામાં આવ્યો હતો.

યુએસ ઓપનમાં છેલ્લે ૨૦૦૭માં વર્લ્ડ રૅન્કિંગમાં પહેલો ક્રમાંક ધરાવતી જસ્ટીન હેનિન ચૅમ્પિયન બની હતી. ત્યાર બાદ પાંચ વર્ષ કોઈ પ્રથમ ક્રમાંકિત મહિલાખેલાડી ચૅમ્પિયન નથી બની શકી. ઉપરાંત ૨૦૧૦માં વિમ્બલ્ડનમાં સેરેના વિલિયમ્સ ચૅમ્પિયન બની હતી અને ત્યાર બાદ કોઈ પ્રથમ ક્રમાંકિત મહિલાખેલાડી એક પણ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ જીતી નથી શકી.