મેસીના જાદુએ કર્યું આર્જેન્ટિનાનું કામ, રોનાલ્ડો પર નસીબ નથી મહેરબાન

20 June, 2016 07:35 AM IST  | 

મેસીના જાદુએ કર્યું આર્જેન્ટિનાનું કામ, રોનાલ્ડો પર નસીબ નથી મહેરબાન



દુનિયાના બે સ્ટાર ફુટબૉલ ખેલાડી લિયોનેલ મેસી અને ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પોતપોતાના દેશ માટે મેદાન પર પસીનો પાડી રહ્યા છે. રોનાલ્ડો એક તરફ યુરો કપમાં પોટુર્ગલની ટીમને પ્રી-ક્વૉર્ટરમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો મેસી પોતાના દેશ માટે એક મોટું ટાઇટલ જીતવા કોપા-અમેરિકા કપમાં ભારે મેહનત કરી રહ્યો છે. જોકે આ બન્ને ખેલાડીઓનો પ્રવાસ આ ટુર્નામેન્ટમાં બિલકુલ અલગ-અલગ દિશાનો છે.

રેકૉર્ડ નહીં, જીત મહત્વની

મેસીએ શનિવારે કોપા-અમેરિકાની ક્વૉર્ટર ફાઇનલમાં શાનદાર ગોલ કરીને પોતાની ટીમને ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચાડી દીધી છે. વેનેઝુએલા સામે ક્વૉર્ટર ફાઇનલમાં તેણે કરીઅરનો ૫૪મો ગોલ કર્યો હતો. મેસીનો આ ટુર્નામેન્ટનો આ ચોથો ગોલ હતો. આ સાથે તેણે પોતાના દેશ માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલના રેકૉર્ડની બરોબરી કરી છે. મેસી પહેલાં આ રેકૉર્ડ ગ્રેબિયલ બતિસ્તુતાના નામ પર હતો. મૅચ બાદ તેણે કહ્યું હતું કે બીજો બતિસ્તુતા બન્યો એ ગમ્યું છે, પરંતુ એના કરતાં વધુ મહત્વનો વિજય છે. મેસી પોતાની ટીમને ટુર્નામેન્ટ જિતાડવા મક્કમ છે. ૨૦૧૪ની કોપા-અમેરિકાની ફાઇનલમાં આર્જેન્ટિના હારી ગયું હતું.

કમનસીબ રોનાલ્ડો

બીજી તરફ ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનું નસીબ યુરો કપમાં બહુ ખરાબ છે. ઑસ્ટ્રિયા સામેની મૅચમાં રોનાલ્ડોએ ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એકેય ગોલ કરી શક્યો નથી. તેણે ઘણી તક ગુમાવી હતી. એક પેનલ્ટી કિકને પણ તે ગોલમાં પરિવર્તિત નહોતો કરી શક્યો. પોટુર્ગલે જો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશવું હશે તો બુધવારે હંગેરી સામેની મૅચ એણે જીતવી જ પડશે.

કોણ મહાન?

મેસી અને રોનાલ્ડોમાં કોણ શ્રેષ્ઠ? એ સવાલ છેલ્લાં ૧૦ વર્ષથી ચર્ચામાં છે. પાંચ દાયકા પહેલાં આવો જ એક સવાલ પુછાતો હતો કે પેલે અને ડિએગો મૅરડોનામાં કોણ મહાન?