અપૂરતી હાજરીના લીધે ઉન્મુક્ત ચંદને તેની કૉલેજ બીએની પરીક્ષા નહીં આપવા દે

31 August, 2012 06:13 AM IST  | 

અપૂરતી હાજરીના લીધે ઉન્મુક્ત ચંદને તેની કૉલેજ બીએની પરીક્ષા નહીં આપવા દે

નવી દિલ્હી: દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં બીએના ફસ્ર્ટ યરમાં ભણતા ભારતની અન્ડર-૧૯ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના કૅપ્ટન ઉન્મુક્ત ચંદને તેની કૉલેજે અપૂરતી હાજરીને કારણે સેકન્ડ સેમીસ્ટરની પરીક્ષા આપવાની મનાઈ કરી છે જેના કારણે ચંદનું આ વર્ષ બગડશે અને તે બીએના સેકન્ડ યરમાં નહીં જઈ શકે.

ચંદના સુકાનમાં રવિવારે ભારતીય અન્ડર-૧૯ ટીમે વર્લ્ડ કપ જીતી લીધો હતો. બીએના ફસ્ર્ટ યરમાં આવ્યા પછી ચંદ વર્લ્ડ કપની પ્રૅક્ટિસ માટે અને પછી વર્લ્ડ કપને કારણે કૉલેજમાં ભાગ્યે જ હાજર રહી શક્યો હતો.

ચંદે દસમા ધોરણમાં ૮૦ ટકા અને બારમામાં ૭૪ ટકા માક્ર્સ લાવ્યો હતો. તેણે સ્પોર્ટ્સ ક્વૉટા હેઠળ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ઍડમિશન લીધું હતું. જોકે અત્યાર સુધીમાં તેની માત્ર ૮ ટકા અટેન્ડન્સ છે. કૉલેજના સત્તાધીશોએ ગઈ કાલે નિયમ બતાવતા પત્રકારોને કહ્યું હતું કે પરીક્ષા માટે સ્પોર્ટ્સ ક્વૉટા હેઠળના સ્ટુડન્ટની પરીક્ષા પહેલાં ૩૩.૩૩ ટકા હાજરી હોવી જરૂરી છે.

જોકે સ્પોર્ટ્સ મિનિસ્ટર અજય માકન અને ભારતીય ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે ચંદને સપોર્ટ જાહેર કર્યો હતો. માકને પીટીઆઈને કહ્યું હતું કે ‘હું ઉન્મુક્તની સમસ્યા વિશે તેની કૉલેજના સત્તાધીશો સાથે તેમ જ દિલ્હી યુનિવર્સિટી સાથે ચર્ચા કરીશ. તેઓ ઉન્મુક્તને અન્યાય કરી રહ્યા છે. કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્પોર્ટ્સ ક્વૉટાના કારણે જ આવા ઇન્ટરનૅશનલ લેવલના પ્લેયરોને પોતાને ત્યાં ઍડ્મિશન આપતી હોય છે. આવું કર્યા પછી જો તેઓ તેમને એક્ઝામ આપવાની જ મનાઈ કરે એ ખોટું કહેવાય. તેમણે આવા પ્લેયરો માટે કોઈ ખાસ ઉપાય શોધવો જોઈએ. તેમના માટે સ્પેશ્યલ એક્ઝામની વ્યવસ્થા કરવી જોઈએ.’

ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પણ કૉલેજના નિર્ણયને અવ્યવહારું ગણાવ્યો હતો.

ધોનીએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે ‘કૉલેજે અટેન્ડન્સની વાતને આગળ ધરીને સ્પોર્ટ્સ ક્વૉટાને પાછળ ધકેલી દીધો છે. આપણા દેશમાં સ્પોર્ટ્સને કેટલું મહkવ આપવામાં આવે છે એનું આ તાજું ઉદાહરણ છે. ઉન્મુક્તનો કિસ્સો સાંભળીને મને બહુ દુ:ખ થયું છે.’

બીએ = બૅચલર ઑફ આર્ટ્સ