ત્રણ દિવસ પહેલાં જ કૅપ્ટન ચંદના હાથમાં કપ

27 August, 2012 05:19 AM IST  | 

ત્રણ દિવસ પહેલાં જ કૅપ્ટન ચંદના હાથમાં કપ

નવી દિલ્હી: ભારતની અન્ડર-૧૯ ટીમના કૅપ્ટન ઉન્મુક્ત ચંદના પિતા ભરત ચંદ ઠાકુરે ગઈ કાલે પત્રકારોને ભારતની જ્વલંત જીત બાદ કહ્યું હતું કે તેમના પુત્ર ઉન્મુક્તના બ્લૅકબેરી મૅસેન્જર (બીબીએમ)ના સ્ટેટસ મુજબ તેને ત્રણ દિવસ પહેલાં જ વર્લ્ડ કપની ટ્રોફી પોતાના હાથમાં હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો.

પિતા ત્રણ કલાક ટીવીથી દૂર ન ગયા

ભરત ચંદ ઠાકુરે પુત્ર ઉન્મુક્ત વિશે પત્રકારોને એવું પણ કહ્યું હતું કે ‘જો મારો દીકરો સતત ત્રણ કલાક બૅટિંગ કરે તો હું એટલો સમય ટીવીને ચોંટી રહું એમાં મને કોઈ નવાઈ નથી લાગતી. ભારતને જિતાડવાના તેના દૃઢ સંકલ્પને દાદ દેવી પડે.’

ભરત ચંદ ઠાકુર દિલ્હીમાં રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલયમાં ઇકૉનૉમિક્સના ટીચર છે.

બાળપણથી ડાયરીમાં લખે છે

ભરત ચંદ ઠાકુરે ઉન્મુક્તની અંગત વાત કરતા કહ્યું હતું કે ‘તે ૯ વર્ષનો હતો ત્યારે એક ડાયરી બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યારથી તે પોતાના અનુભવો એમાં ટાંકે છે. એટલું જ નહીં, એમાં તે પોતાની ભૂલોનો પણ ઉલ્લેખ કરે છે અને બીજી વાર એ ભૂલ ન થાય એની તકેદારી રાખે છે. એના એક પાનામાં તેણે થોડા વષોર્ પહેલાંની એક પ્રમોશનલ ઇવેન્ટમાં બ્રેટ લી સામે રમવાનો જે અનુભવ થયો હતો એની વાતો પણ લખી છે.’