અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત પાંચમી વાર ફાઇનલમાં

10 February, 2016 05:15 AM IST  | 

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત પાંચમી વાર ફાઇનલમાં



બંગલા દેશમાં રમાઈ રહેલા ICC અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે એનો શાનદાર પર્ફોર્મન્સ જાળવી રાખતાં ગઈ કાલે સેમી ફાઇનલમાં શ્રીલંકાને ૯૭ રનથી પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આપેલા ૨૬૮ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૪૨.૪ ઓવરમાં ૧૭૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારતીય ટીમે ત્રણેય લીગમાં શાનદાર જીત મેળવી હતી અને ક્વૉર્ટર ફાઇનલમાં જાયન્ટ કિલર નામિબિયાને કચડીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રણ વખતનું ચૅમ્પિયન ભારત હવે રવિવારે ફાઇનલમાં આવતી કાલની બીજી સેમી ફાઇનલના યજમાન બંગલા દેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના વિજેતા સામે રમશે.

અમનોલપ્રીત-સરફરાઝનો સહારો

શ્રીલંકાએ ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કૅપ્ટન ઈશાન કિશન (૭) અને રિષભ પંત (૧૪)ને ૨૭ રનના સ્કોર પર ગુમાવીને ભારતે ખરાબ શરૂઆત કરી હતી. ત્યાર બાદ મૅન ઑફ ધ મૅચ અનમોલપ્રીત સિંહ (૯૨ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૭૨) અને સરફરાઝ ખાન (૭૧ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૫૯ રન) વચ્ચે ૯૬ રનની પાર્ટનરશિપે ટીમને સહારો આપ્યો હતો. વૉશિંગ્ટન સુંદરના ૪૩ અને અરમાન જાફરના ૧૬ બૉલમાં આક્રમક ૨૯ રનની મદદથી ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૭ રનનો ચૅલેન્જિંગ સ્કોર બનાવી લીધો હતો. શ્રીલંકા વતી પેસ બોલર અસિથા ફર્નાન્ડોએ ૪૩ રનમાં ચાર વિકેટ સાથે સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કર્યું હતું.

શ્રીલંકાએ પણ ૧૩ રનમાં બન્ને ઓપનરો ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. મિડલ-ઑર્ડરના થોડા પ્રતિકાર છતાં ૪૨.૪ ઓવરમાં ૧૭૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી મયંક ડાગરે ૨૧ રનમાં ત્રણ, આવેશ ખાને ૪૧ રનમાં બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાનના રેકૉર્ડની કરી બરાબરી

ગઈ કાલે ભારતીય ટીમે પાંચમી વાર ફાઇનલમાં પ્રવેશ કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનના અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ વાર રમવાના રેકૉર્ડની બરાબરી કરી હતી. ભારત ૨૦૦૦, ૨૦૦૮ અને ૨૦૧૨માં ચૅમ્પિયન બન્યું હતું જ્યારે ૨૦૦૬માં પાકિસ્તાન સામે પરાજિત થઈને રનર-અપ રહ્યું હતું.

પાકિસ્તાન-અફઘાનિસ્તાનની જીત

ક્વૉર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે હારીને ટુર્નામેન્ટમાંથી આઉટ થનાર પાકિસ્તાને ગઈ કાલે પાંચમા સ્થાન માટેના જંગમાં નેપાલને ૧૨૨ રનથી કચડી નાખ્યું હતું. અન્ય એક મૅચમાં અફઘાનિસ્તાને ન્યુ ઝીલૅન્ડ સામે ૮ વિકેટે જીત મેળવીને અન્ડર-૧૯ વર્લ્ડ કપ પ્લેટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધું હતું. ન્યુ ઝીલૅન્ડ વતી અનિકેત પરીખનો ૪૮ રન અને ૨૦ રનમાં બે વિકેટ સાથેનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ટીમને હારથી નહોતો બચાવી શક્યો.