અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલ : ચંદ લગાવશે ચાર ચાંદ?

25 August, 2012 10:09 AM IST  | 

અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલ : ચંદ લગાવશે ચાર ચાંદ?

 

 

ટાઉન્સવિલ (ઑસ્ટ્રેલિયા): ભારતની અન્ડર-૧૯ ટીમ આવતી કાલે ફાઇનલમાં (ઈએસપીએન પર સવારે ૫.૦૦) યજમાન ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે. બન્ને ટીમો ત્રણ-ત્રણ ફાઇનલ રમવાનો અનુભવ ધરાવે છે. ભારત ત્રણમાંથી બે વાર અને ઑસ્ટ્રેલિયા ત્રણેય વાર આ ટ્રોફી જીતવામાં સફળ થયું છે. જોકે બન્ને અન્ડર-૧૯ વલ્ર્ડ કપમાં ફાઇનલમાં પહેલી વાર ટકરાશે.

 

સિનિયર ટીમ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ગયા વર્ષે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને વલ્ર્ડ જીતી હતી. ચાહકો હવે દિલ્હીના ઉન્મુક્ત ચંદના નેતૃત્વમાં યુવા ટીમ પણ ધોનીની જેમ કમાલ કરે અને આવતી કાલે ફાઇનલ જીતીને આ ટ્રોફી દેશમાં લઈ આવે એવી આશા રાખીને બેઠા છે. પહેલી જ લીગ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે હારીને ખરાબ શરૂઆત કરનાર ટીમે બન્ને લીગ મૅચો જીતીને તથા ક્વૉર્ટરમાં પાકિસ્તાનને એક વિકેટે તથા સેમીમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયાએ ઑલરાઉન્ડ પફોર્ર્મન્સ વડે બધી જ મૅચો જીતીને ફુલ કૉન્ફિડન્સ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતી કાલે જીતવા માટે તેઓ ફેવરિટ મનાઈ રહ્યા છે.

 

અગાઉ મોહમ્મદ કૈફ અને વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં જુનિયર ટીમે દેશને વર્લ્ડ કપ અપાવ્યો હતો અને હવે આવતી કાલે આ બન્ને કૅપ્ટનોની બરાબરીમાં આવવાનો દિલ્હીના ઉન્મુક્ત ચંદને મોકો છે.

 

કવૉર્ટરમાં અને સેમીમાં મૅન ઑફ ધ મૅચ બનનાર તામિલનાડુના બાબા અપરાજિતને પણ આવતી કાલે આ અવૉર્ડ્સની હૅટ-ટ્રિક કરીને ટીમને વિજય અપાવવાનો સુવર્ણ અવસર છે. પ્રશાંત ચોપડા, હરમીત સિંહ અને સ્મિત પટેલ પણ તેમનું ફૉર્મ જાળવી રાખશે અને કૅપ્ટન ચંદ તેની પ્રતિભાનો અસલી પરિચય આપશે તો ટીમ ઇન્ડિયાની જીત આસાન બની જશે.

 

રોડ ટુ ધ ફાઇનલ


ભારત

 

લીગ મૅચ

વેસ્ટ ઇન્ડીઝ સામે ૪ વિકેટે પરાજય

ઝિમ્બાબ્વે સામે ૬૩ રનથી વિજય

પપુઆ ન્યુ ગિની સામે ૧૦૭ રનથી વિજય

 

ક્વૉર્ટર ફાઇનલ

પાકિસ્તાન સામે એક વિકેટે વિજય

 

સેમી ફાઇનલ

ન્યુ ઝીલૅન્ડ સામે ૯ રનથી જીત

 

 

ઑસ્ટ્રેલિયા


લીગ મૅચ

ઇંગ્લૅન્ડ સામે ૬ વિકેટે વિજય

નેપાલ સામે ૨૧૨ રનથી વિજય

આયર્લેન્ડ સામે ૬ વિકેટે વિજય

 

ક્વૉર્ટર ફાઇનલ

બંગલા દેશ સામે પાંચ વિકેટે વિજય

 

સેમી ફાઇનલ

સાઉથ આફ્રિકા સામે ૪ વિકેટે જીત