ઉમરાન, હાર્દિક, કાર્તિકને આઇપીએલ ફળી: પુજારાને કાઉન્ટીની કમાલથી થયો ખૂબ ફાયદો

23 May, 2022 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝની તથા ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ટીમની જાહેરાત

ઉમરાન, હાર્દિક અને પુજારા

આઇપીએલની ૧૫મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ૧૩ મૅચમાં ૨૧ વિકેટ લેનાર ભારતના ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિકનો સાઉથ આફ્રિકા સામેની આગામી પાંચ મૅચવાળી ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ટીમ ગુજરાત ટાઇટન્સને પોતાની લાજવાબ કૅપ્ટન્સીથી તેમ જ ૧૩ મૅચમાં બનાવેલા ૪૧૩ રનની મદદથી સૌથી પહેલાં પ્લે-ઑફમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યાને પણ ૯ જૂને ભારતમાં શરૂ થનારી આ શ્રેણી માટેની ટીમમાં સ્થાન મળશે એવી પાકી ધારણા હતી અને એ મુજબ થયું છે. હાર્દિકને પણ સિલેક્ટરોએ આ ટીમમાં સમાવ્યો છે. કે. એલ. રાહુલ ૧૮ પ્લેયર્સની આ ટી૨૦ ટીમનો કૅપ્ટન અને રિષભ પંત વાઇસ-કૅપ્ટન છે. જોકે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા કૅપ્ટન અને રાહુલ વાઇસ-કૅપ્ટન છે.
કાર્તિકને ત્રણ વર્ષે તેડું
વિકેટકીપર દિનેશ કાર્તિક આઇપીએલનો સેન્સેશનલ મૅચ-ફિનિશર સાબિત થયો છે અને તેને પણ ભારતની ટી૨૦ ટીમમાં સ્થાન મળ્યું છે. કાર્તિક ભારત વતી છેલ્લે ૨૦૧૯માં ટી૨૦માં તથા વન-ડેમાં રમ્યો હતો.
જમ્મુના પેસ સેન્સેશનલ ઉમરાને આઇપીએલની આ સીઝનમાં સતતપણે કલાકે ૯૫ માઇલની ઝડપે બૉલ ફેંક્યા હતા. તેના ઉપરાંત પંજાબના સ્પેશ્યલિસ્ટ અર્શદીપ સિંહને પણ પહેલી વાર ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મળ્યો છે. પી.ટી.આઇ.એ અગાઉ જણાવેલું એમ રોહિત શર્મા, વિરાટ કોહલી તેમ જ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
રોહિતની ટીમ ૧૫ જૂને જશે
રોહિત, કોહલી, બુમરાહ, આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ૧૫ જૂને ઇંગ્લૅન્ડ જશે જ્યાં ૧થી ૫ જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડ સામે બાકી રહેલી એકમાત્ર ટેસ્ટ રમાવાની છે. જોકે જાડેજા ઉપરાંત દીપક ચાહર અને સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત હોવાથી ટી૨૦ ટીમમાં સામેલ નથી. ઈજાગ્રસ્ત અજિંક્ય રહાણેનો પણ બેમાંથી કોઈ ટીમમાં સમાવેશ નથી.
ચેતેશ્વર પુજારાએ તાજેતરમાં બ્રિટનની કાઉન્ટી ક્રિકેટમાં ખૂબ જ સારું પર્ફોર્મ કર્યું એ બદલ તેને આ ટેસ્ટ માટેની ટીમમાં સમાવીને સિલેક્ટરોએ તેને કમબૅકનો મોકો આપ્યો છે. મયંક અગરવાલ અને પ્રિયાંક પંચાલને ફરી ટીમમાં નથી સમાવાયા.
કઈ ટીમમાં કોણ-કોણ?
સાઉથ આફ્રિકા સામેની ભારતીય ટી૨૦ ટીમ ઃ કે. એલ. રાહુલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હૂડા, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વેન્કટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
ઇંગ્લૅન્ડ સામેની ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કૅપ્ટન), કે. એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કે. એસ. ભરત (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

sports news hardik pandya