ઇન્શ્યૉરન્સ કંપનીએ વીમાનું રક્ષણ ના આપતા અંતે 92 વર્ષે એમ્પાયરિંગમાંથી નિવૃત્તિ

26 October, 2012 05:48 AM IST  | 

ઇન્શ્યૉરન્સ કંપનીએ વીમાનું રક્ષણ ના આપતા અંતે 92 વર્ષે એમ્પાયરિંગમાંથી નિવૃત્તિ



લંડન:

ફેન્ટન મૂળ મૅન્ચેસ્ટરના છે. તેમણે મોટા ભાગે ડર્બીશર ઍન્ડ શેશર ક્રિકેટ લીગની મૅચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમણે ગઈ કાલે ઇંગ્લૅન્ડના અખબારોને કહ્યું હતું કે ‘હું ૯૨ વર્ષનો થયો છું, પરંતુ લીગની વીમા કંપની આ ટુર્નામેન્ટના અમ્પાયરોને ૮૫ વર્ષની ઉંમર સુધી જ વીમાનું રક્ષણ આપતી હોવાથી હવે મને ઇન્શ્યૉરન્સ પૉલિસીનો લાભ નહીં મળે. આ કારણસર મારે નિવૃત્તિ લેવી પડી રહી છે.’

લીગના માનદ મંત્રી માઇક બ્રાઉને ફેન્ટનના રિટાયરમેન્ટ વિશે કહ્યું હતું કે ‘અમારી ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં અમ્પાયરો માટે ૮૫ વર્ષની વયમર્યાદા છે એ અમારા ધ્યાનમાં જ નહોતું. ફેન્ટન સ્વતંત્ર રીતે પોતાનો વીમો ઉતરાવે તો એ હેઠળ તેમને વીમાના રક્ષણનો લાભ મળી શકે કે નહીં એવું અમે વીમા કંપની પાસે જાણ્યું તો એમાં અમારે ના સાંભળવી પડી. અમારે નાછૂટકે ફેન્ટનને ગુડબાય કરવી પડી રહી છે. ૯ નવેમ્બરે અમારી વાર્ષિક ડિનર-પાર્ટીમાં અમે તેમને એક અવૉર્ડ આપીને તેમનું બહુમાન કરીશું.’

એક પણ મૅચ નહોતી છોડી

ફેન્ટન વિધુર છે. જોકે બહોળા પરિવારમાં તેમના પૌત્રને ત્યાં પણ બાળકો છે. તેઓ એસ્ટેટ એજન્ટ પણ હતા, પરંતુ થોડા વર્ષોથી તેમણે એ પ્રોફેશન છોડી દીધું હતું.

૧૯૫૧માં પહેલી વાર તેમણે અમ્પાયરિંગ કર્યું હતું. અત્યાર સુધીમાં તેમણે અમ્પાયરિંગની તક મળી હોય એવી એક પણ મૅચ નથી છોડી.

મીઠા અનુભવોનું વર્ણન

ફેન્ટનને ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ છે. તેમણે પત્રકારોને પોતાના કેટલાક અનુભવો કહ્યા હતા:

૧૯૫૧માં અમ્પાયર તરીકેની મારી બીજી જ મૅચમાં ઇંગ્લૅન્ડના મહાન ફાસ્ટ બોલર અને મારા હીરો ફ્રેડી ટમૅન રમ્યા હતા. તેમણે મારા છેડા પરથી બોલિંગ કરી હતી. એ મૅચના સ્કોરકાર્ડ પર મૅચના દરેક ઑટોગ્રાફ આપ્યો હતો અને મેં હજી એ સ્કોરકાર્ડ સાચવી રાખ્યો છે.

થોડા દિવસ પહેલાં ત્રણ મહિલાઓ મારા અમ્પાયરિંગ વિશે સાંભળ્યાં બાદ એક મૅચ જોવા આવી હતી અને મૅચ પછી મને મળી હતી. ૯૦ વર્ષ વટાવ્યા પછી પણ હું છ કલાક પિચ પર કેવી રીતે ઊભો રહી શકું છું એવો સવાલ તેમણે પૂછ્યો એટલે મેં જવાબમાં કહ્યું કે ક્રિકેટ એટલી સુંદર રમત છે કે એને સૌથી નજીકથી જોવાની અને માણવાની કોઈ તક મારે નહોતી છોડવી એટલે અમ્પાયરિંગ છોડી નથી શક્યો.

સારા અમ્પાયર બનવા માટેની ગુરુચાવી

ફેન્ટને યુવાનોને સારા અમ્પાયર બનવા માટેની સલાહમાં કહ્યું હતું કે ‘સારા અને સફળ અમ્પાયર બનવા મારી સૌથી પહેલી ઍડ્વાઇઝ એ છે કે ક્યારેય તમે પ્લેયરોના બૉસ બનવાનો પ્રયત્ન નહીં કરતા. તમે એક ટીમના મેમ્બર છો એવો અભિગમ અપનાવજો. મારે ક્યારેય કોઈ પ્લેયર સાથે કે કોઈ ટીમ સાથે પ્રૉબ્લેમ નથી થયો. તેમનો મિત્ર બનીને રહું છું અને તેમના તરફથી ખૂબ માન મેળવું છું.’

રેકૉર્ડ કોનો?

ઇંગ્લૅન્ડના જો ફિલિસ્ટનનું નામ રેકૉર્ડ-બુકમાં દેશના ઓલ્ડેસ્ટ-એવર અમ્પાયર તરીકે છે. તેમણે ૧૯૬૨માં અમ્પાયરિંગ કર્યું ત્યારે તેઓ ૧૦૦ વર્ષના હતા