✕

કૅપ્ટન શ્રેયસ ઐયર કરીઅરના સર્વોચ્ચ ICC બૅટિંગ રૅન્કિંગ નંબર ફોર પર પહોંચ્યો

15 October, 2026 06:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝડપી બોલર જૉશ હેઝલવુડે અંતિમ દિવસે ૬-૪૯ના કારકિર્દીના શ્રેષ્ઠ આંકડા નોંધાવ્યા બાદ ટેસ્ટ-બોલિંગ રૅન્કિંગમાં બે સ્થાનની પ્રગતિ સાથે સાતમું સ્થાન મેળવ્યું છે.

શ્રેયસ ઐયર

ઈશાન કિશન અને અભિષેક શર્મા પછી શ્રેયસ ઐયરે પણ T20 બૅટિંગ રૅન્કિંગમાં ટૉપ ફોરમાં સ્થાન મેળવી લીધું છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની પહેલી મૅચમાં સદી ફટકાર્યા પછી બીજી મૅચમાં તેણે ૧૮ બૉલમાં તોફાની ૪૦ રન અને ત્રીજી મૅચમાં એક જ રન કર્યો હતો. T20 બૅટિંગ રૅન્કિંગમાં હવે શ્રેયસ ત્રણ સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે જે તેના કરીઅરનું કોઈ પણ ફૉર્મેટનું સર્વશ્રેષ્ઠ રૅન્કિંગ છે. 

T20 બૅટિંગ રૅન્કિંગમાં ટૉપ ટેનમાં ઈશાન કિશન (પહેલા ક્રમે), અભિષેક શર્મા (બીજા ક્રમે) અને તિલક વર્મા (નવમા ક્રમે) પણ સામેલ છે. વેસ્ટ ઇન્ડીઝનો કૅપ્ટન શાઈ હોપ બે સ્થાનના ફાયદા સાથે ૧૧મા ક્રમે પહોંચ્યો છે. કૅરિબિયન સ્પિનર રોસ્ટન ચેઝ ભારત સામેના પ્રદર્શન પછી T20 બોલિંગ રૅન્કિંગમાં ૨૪ સ્થાનના સુધારા સાથે ૨૩મા ક્રમે અને ઑલરાઉન્ડર રૅન્કિંગમાં બે સ્થાનના સુધારા સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. 

૧૪૭ સ્થાનનો હનુમાનકૂદકો માર્યો ઑસ્ટ્રેલિયાના મૅટ રેનશૉએ ડરબન ટેસ્ટ-મૅચમાં ૧૯૦ રન અને ૮૨ રનની ઇનિંગ્સ રમનાર મૅટ રેનશૉને ટેસ્ટ-બૅટિંગ રૅન્કિંગમાં જબરો ફાયદો થયો છે. ૧૪૭ સ્થાનની મોટી છલાંગ મારીને આ ડાબોડી બૅટર હવે ૪૯મા ક્રમે પહોંચી ગયો છે. ઝડપી બોલર જૉશ હેઝલવુડે અંતિમ દિવસે ૬-૪૯ના કારકિર્દીના શ્રેષ્ઠ આંકડા નોંધાવ્યા બાદ ટેસ્ટ-બોલિંગ રૅન્કિંગમાં બે સ્થાનની પ્રગતિ સાથે સાતમું સ્થાન મેળવ્યું છે. 

પેસ બોલર ઉમેશ યાદવનો ચોંકાવનારો ખુલાસો: વિર્દભનો કોચ મને ટીમની બહાર કરીને ખુશ થતો હતો

ન્યુ ચંડીગઢમાં રમાયેલી પંજાબ અને આસામ વચ્ચેની મૅચ ગઈ કાલે ચોથા દિવસે ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સમાં આસામના ૩૭૩-૧૦ના સ્કોર સામે પંજાબે ૪૭૮-૬ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં આસામે ૧૫૭-૬નો સ્કોર કર્યો પણ સમયના અભાવે મૅચ ડ્રૉ રહી હતી. 
પંજાબ માટે પહેલી વખત રમનાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવે આ મૅચમાં પહેલા દાવમાં ૨૪ ઓવરમાં ૭૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં તેણે ૯ ઓવરમાં ૧૧ રન આપીને બે વિકેટ લીધી હતી. ૩૮ વર્ષનો ઉમેશ યાદવ હાલમાં જ વિદર્ભ છોડીને પંજાબની ટીમમાં શિફ્ટ થયો છે.  
આ મૅચ પછી ઉમેશ યાદવે તેની હોમ-ટીમ વિદર્ભના કોચ ઉસ્માન ગનીની ટીકા કરતાં કહ્યું, ‘ઇન્જરી પછી જ્યારે મેં વાપસી કરી ત્યારે મને જે પ્રકારનું સમર્થન અને પીઠબળ મળવું જોઈતું હતું એ મળ્યું નહીં. મને ટીમમાંથી બહાર કરવાના પ્રયાસો થયા હતા. કોચ એ વિચારીને ખુશ હતા કે હવે માત્ર એક જ સિનિયર ખેલાડી બાકી છે, જો તે જતો રહેશે તો બધે મારું જ ચાલશે અને હું જે કહીશ એ જ થશે અને બરાબર એવું જ થયું.’

shreyas iyer indian cricket team vidarbha ranji trophy umesh yadav sports news sports