17 December, 2025 09:39 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
અભિજ્ઞાન કુંડુ
UAEમાં આયોજિત મેન્સ અન્ડર-19 વન-ડે એશિયા કપમાં ભારતે ગ્રુપ Aની મૅચમાં જીતની હૅટ-ટ્રિક કરી છે. ગઈ કાલે મલેશિયા સામે ૩૧૫ રનથી વિશાળ જીત નોંધાવનાર ભારતે આ પહેલાં UAE અને પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે ૭ વિકેટ ગુમાવીને આપેલા ૪૦૯ રનના ટાર્ગેટ સામે મલેશિયાની ટીમ ૩૨.૧ ઓવરમાં ૯૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
પાંચમા ક્રમે રમીને અભિજ્ઞાન કુંડુએ ૧૨૫ બૉલમાં ૨૦૯ રન કર્યા હતા. ૧૭ ફોર અને ૯ સિક્સ ફટકારીને અણનમ રહેલા આ પ્લેયરે ભારત માટે હાઇએસ્ટ યુથ વન-ડે સ્કોર નોંધાવ્યો હતો. વેદાંત ત્રિવેદીએ ૧૦૬ બૉલમાં ૯૦ રન અને વૈભવ સૂર્યવંશીએ ૨૬ બૉલમાં ૫૦ રન કરીને ભારતને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. મલેશિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ અકરમે ૮૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
મલેશિયાએ ૧૨.૪ ઓવરમાં ૩૦ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મલેશિયાના માત્ર ચાર બૅટર ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર દીપેશ દેવેન્દ્રને ૭ ઓવરમાં ૨૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઉદ્ધવ મોહને ૨૪ રન આપીને બે વિકેટ લીધી હતી. અન્ય ત્રણ બોલરને એક-એક સફળતા મળી હતી.
સેમી ફાઇનલમાં કઈ ટીમને મળી એન્ટ્રી?
૧૯ ડિસેમ્બરની સેમી ફાઇનલ માટે ગ્રુપ Aમાંથી ભારત, પાકિસ્તાન અને ગ્રુપ Bમાંથી બંગલાદેશ અને શ્રીલંકા ક્વૉલિફાય થયાં છે. આજે ગ્રુપ Bની અંતિમ મૅચ બાદ સેમીફાઇનલની લાઇનઅપ નક્કી થઈ જશે.