એક મૅચમાં મેન્ડિસના પાંચ વિક્રમ

21 September, 2012 05:09 AM IST  | 

એક મૅચમાં મેન્ડિસના પાંચ વિક્રમ



હમ્બનટોટા: મંગળવારે T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેના પ્રારંભિક મુકાબલામાં શ્રીલંકાના મૅન ઑફ ધ મૅચ સ્પિનર અજંથા મેન્ડિસે (૪-૨-૮-૬) જે તરખાટ મચાવ્યો હતો એમાં તેના કુલ પાંચ વિક્રમો સમાયેલા હોવાનું તેના આ પર્ફોર્મન્સને લગતા વિવિધ અહેવાલો પરથી જાણવા મળ્યું હતું.

શ્રીલંકાએ આ મૅચમાં ૪ વિકેટે ૧૮૨ રન બનાવ્યા પછી ઝિમ્બાબ્વેને માત્ર ૧૦૦ રનમાં ઑલઆઉટ કરીને T20 વર્લ્ડ કપના ફૉર્થ-હાઇએસ્ટ ૮૨ રનના માર્જિનથી મૅચ જીતી લીધી હતી. ઑફ ઉપરાંત લેગ સ્પિન કરી શક્તો અજંથા મેન્ડિસ ૯ મહિને ફરી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા આવ્યો છે. તેણે ૮ રનમાં ૬ વિકેટ લીધી હતી, જ્યારે ૩૦ બૉલમાં ૪૩ રન બનાવ્યા પછી લેગ સ્પિનથી ઝિમ્બાબ્વેની ત્રણ વિકેટ લેનાર જીવન મેન્ડિસનું પણ આ શાનદાર જીતમાં મોટું યોગદાન હતું.

અજંથા મેન્ડિસની રેકૉર્ડ-બુક

૮ રનમાં ૬ વિકેટ T20 ઇન્ટરનૅશનલના પ્લેયરોમાં બેસ્ટ પર્ફોર્મન્સ છે. તેણે ઑસ્ટ્રેલિયા સામેના અગાઉના ૧૬ રનમાં ૬ વિકેટના અગાઉના પોતાના જ સર્વશ્રેષ્ઠ દેખાવને ઝાંખો પાડી દીધો હતો.

૮ રનમાં ૬ વિકેટ T20 વર્લ્ડ કપના તમામ બોલરોમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.

૪ ઓવરમાં આપેલા ૮ રન શ્રીલંકન બોલરોએ મૅચમાં આપેલા રનમાં સૌથી ઓછો આંકડો છે.

બે T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૧૦ કરતાં ઓછા રન આપનાર તે વિશ્વનો એકમાત્ર બોલર છે.

૪ ઓવરના સ્પેલમાં તેની બે મેઇડન ઓવર T20 ઇન્ટરનૅશનલ રમી ચૂકેલા શ્રીલંકનોમાં પ્રથમ બનાવ છે. બીજા દેશોના પ્લેયરોમાં એકમાત્ર ઑસ્ટ્રેલિયાનો શૉન ટેઇટ મૅચમાં બે મેઇડન ઓવર કરી શક્યો છે.