ટેનિસમાં રેકૉર્ડબ્રેકર મૅચ ચાલી ૩ કલાક ૫૭ મિનિટ

02 August, 2012 05:43 AM IST  | 

ટેનિસમાં રેકૉર્ડબ્રેકર મૅચ ચાલી ૩ કલાક ૫૭ મિનિટ

ફ્રાન્સના ફિફ્થ-સીડેડ ટેનિસસ્ટાર જો-વિલ્ફ્રીડ સૉન્ગાએ ગઈ કાલે ઑલિમ્પિક્સના ઇતિહાસની સૌથી લાંબી ચાલેલી ત્રણ સેટની ટેનિસ મૅચમાં કૅનેડાના મિલોસ રોનિકને હરાવ્યો હતો.

બીજા રાઉન્ડમાં રોનિકને ૬-૩, ૩-૬ અને ૨૫-૨૩થી હરાવવામાં સૉન્ગાએ ત્રણ કલાક ૫૭ મિનિટનો સમય લીધો હતો અને ૨૦૦૪માં ફર્નાન્ડો ગૉન્ઝાલેઝ અને ટેલર ડેન્ટ્સ વચ્ચેની મૅચના રેકૉર્ડને ૩૨ મિનિટથી તોડી નાખ્યો હતો.

ત્રીજા સેટમાં રેકૉર્ડ ૪૮ ગેમ્સ

સૉન્ગાએ પહેલો સેટ ૬-૩થી આસાનીથી જીતી લીધો હતો, પણ રોનિકે વળતો જવાબ આપતાં બીજો સેટ એટલા જ માર્જિનથી જીતી લેતાં ત્રીજો સેટ નિર્ણાયક બની ગયો હતો. ત્રીજા સેટમાં પણ બન્નેએ જોર લગાવતાં સેટ ૪૮ ગેમ્સ સુધી લંબાઈ ગયો હતો અને સૉન્ગાએ આખરે એ સેટ ૨૫-૨૩થી જીતી લઈને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. સેટમાં મેન્સ અને વુમન્સની સિંગલ્સ તથા ડબલ્સ બન્નેને ગણતરીમાં લેતાં અગાઉના ૩૮ ગેમ્સના રેકૉર્ડને પણ આ નિર્ણાયક સેટે ૪૮ ગેમ્સનો નવો રેકૉર્ડ સર્જીને તોડી નાખ્યો હતો.

મૅચમાં કુલ ૬૬ ગેમ્સ પણ નવો રેકૉર્ડ

પહેલા અને બીજા સેટમાં નવ-નવ ગેમ્સ તથા ત્રીજા રેકૉર્ડબ્રેકર સેટમાં ૪૮ ગેમ્સ સાથે કુલ ૬૬ ગેમ્સની આ મૅચે નવો રેકૉર્ડ બનાવ્યો છે. ૧૯૮૮માં સૉલ ઑલિમ્પિક્સમાં ડબલ્સની એક મૅચની ૬૩ ગેમ્સ અત્યાર સુધી ઑલિમ્પિક્સમાં રેકૉર્ડ ગણાતી હતી.

જોકે ૧૯૨૦માં ઍન્ટવર્પ ઑલિમ્પિક્સમાં ગોર્ડન લોવ અને ઑગસ્ટસ ઝેર્લેન્ડિશ વચ્ચેની મૅચમાં કુલ ૭૬ ગેમના અંતે રિઝલ્ટ આવ્યું હતું, પણ ત્યારે મૅચ પાંચ સેટની રમાતી હતી.

જોકોવિચ અને સેરેનાની આગેકૂચ

વર્લ્ડ નબંર ટૂ નોવાક જોકોવિચે ઍન્ડી રોડિકને આસાનીથી ૬-૨, ૬-૧થી હાર આપી હતી. જ્યારે જપાનમાં કી નિશિકોરીએ રશિયાના નિકોલે ડેવીડેન્કોને ૪-૬, ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર વન રૉજર ફેડરરે ગઈ કાલે ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્ટોમિનને ૭-૫, ૬-૩થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.

મહિલાઓમાં વિમ્બલ્ડન ચૅમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સે રશિયાની નંબર ટૂ વેરા ઝ્વોનારેવાને આસાનીથી ૬-૧, ૬-૦થી હરાવી દીધી હતી, જ્યારે ભૂતપૂર્વ નંબર વન ખેલાડી કિમ ક્લાઇસ્ટર્સે સર્બિયાની ઍના ઇવાનોવિકને સીધા સેટમાં ૬-૩, ૬-૪થી હાર આપી હતી.