ટોની ગ્રેગનું કૅન્સરની બીમારીથી અવસાન

30 December, 2012 05:40 AM IST  | 

ટોની ગ્રેગનું કૅન્સરની બીમારીથી અવસાન



સિડની: ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર ટોની ગ્રેગનું ગઈ કાલે ફેફસાના કૅન્સરને કારણે ગઈ કાલે અવસાન થયું હતું. તેઆ ૬૬ વર્ષના હતા. તેમને આ મહારોગ હોવાની જાણ ઑક્ટોબરમાં થઈ હતી. કૅન્સર હોવાનું નિદાન થયા પછી તેમણે કેમોથેરપી સહિતની સારવાર શરૂ કરી હતી અને તેમને ખાતરી હતી કે ૩ જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટ-મૅચ સુધીમાં તેમને સારું થઈ જશે અને ફરી કૉમેન્ટરી આપવાની શરૂઆત કરશે, પરંતુ તેઓ કૅન્સર સામેની લડતમાં હારી ગયા હતા.

તેમની કૅન્સરની બીમારી ઘણી ગંભીર થઈ ગઈ હતી અને ગઈ કાલે તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો જેમાં તેમનું અવસાન થયું હતું. તેઓ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમના પરિવારજનો તેમની નજીક હતાં. એમાં તેમની બીજી પત્ની વિવિયન તથા તેનાંથી થયેલી પુત્રી બો અને પુત્ર ટૉમનો સમાવેશ હતો. પ્રથમ પત્નીથી થયેલી પુત્રી અને પુત્ર પણ એ સમયે તેમની પાસે હતાં.

ભારત આવવું ખૂબ ગમતું


ટોની ગ્રેગ ઘણા વર્ષોથી ઑસ્ટ્રેલિયામાં રહેતા હતા. તેમને વિદેશ પ્રવાસો કરવા ખૂબ ગમતા હતા અને તેમના પ્રિય દેશોમાં ખાસ કરીને ભારત, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ અને દુબઈનો સમાવેશ હતો. તેઓ ૩૩ વર્ષથી ઑસ્ટ્રેલિયાની ચૅનલ નાઇન પર કૉમેન્ટરી આપતા હતા.

૬ ફૂટ ૬ ઇંચ ઊંચા


૧૯૪૬માં સાઉથ આફ્રિકામાં જન્મેલા ટોની ગ્રેગ ૬ ફૂટ ૬ ઇંચ ઊંચા હતા. તેઓ ૧૯૭૨થી ૧૯૭૭ દરમ્યાન ૫૮ ટેસ્ટ-મૅચમાં ૮ સેન્ચુરીની મદદથી ૪૦.૪૩ની બૅટિંગઍવરેજે ૩૫૯૯ રન બનાવ્યા હતા. તેઓ મિડિયમ પેસ અને ઑફ સ્પિન બોલિંગ પણ કરતા હતા અને છ વર્ષની કરીઅરમાં તેમણે ૧૪૧ વિકેટ લીધી હતી. તેમણે ૧૪ ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડની કૅપ્ટન્સી સંભાળી હતી.

તેમણે બાવીસ મૅચની ટૂંકી વન-ડે કરીઅરમાં ૨૬૯ રન બનાવ્યા હતા અને ૧૯ વિકેટ લીધી હતી.