સેન્ચુરી ચૂકી ગયો પણ ટેસ્ટ માટે તૈયાર : મનોજ તિવારી

31 October, 2012 05:54 AM IST  | 

સેન્ચુરી ચૂકી ગયો પણ ટેસ્ટ માટે તૈયાર : મનોજ તિવારી



મુંબઈ: ઇંગ્લૅન્ડ સામેની ગઈ કાલે બ્રેબૉર્ન સ્ટેડિયમમાં શરૂ થયેલી પહેલી ૪ દિવસની પ્રૅક્ટિસ-મૅચના પહેલા દિવસે કમબૅક-મૅન યુવરાજ સિંહ અને મનોજ તિવારીએ આકર્ષક હાફ સેન્ચુરી સાથે ટેસ્ટ-ટીમમાં પોતાની દાવેદારી મજબૂત કરી લીધી હતી. મનોજ તિવારી જોકે ૯૩ રનના સ્કોરે હતો ત્યારે ટીમ બ્રેસ્નનને ક્રૉસમાં રમવા જતાં ચૂક્યો હતો અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. જોકે તેણે આકર્ષક ઇનિંગ્સ વડે ટેસ્ટ-મૅચ માટે પોતે તૈયાર હોવાનો દાવો મજબૂત કર્યો હતો. તિવારીએ કહ્યું હતું કે હું ટેસ્ટ-ક્રિકેટ માટે તૈયાર છું. સદી ચૂક્યો એનું દુ:ખ છે, પણ હું મારા પફોર્ર્મન્સથી ખુશ છું. હવે સિલેક્ટરોએ નક્કી કરવાનું છે.’

મનોજ તિવારી અને યુવરાજ સિંહ ઉપરાંત ઓપનર અભિનવ મુકુંદની હાફ સેન્ચુરી સાથે દિવસના અંતે ઇન્ડિયા ‘એ’નો સ્કોર ૯ વિકેટે ૩૬૯ રહ્યો હતો.

યુવીને પહેલા જ બૉલે જીવતદાન

ઇન્ડિયા ‘એ’ના કૅપ્ટન સુરેશ રૈનાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. ઓપનર મુરલી વિજય ફક્ત ૭ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો અને અજિંક્ય રહાણે ૪ રન બનાવીને ટીમમાં કમબૅક કરી રહેલા પીટરસનને કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ મેદાનમાં આવેલા અને કૅન્સરની બીમારી પછી ટેસ્ટમાં પણ કમબૅક કરવા તત્પર યુવરાજ સિંહને જોકે પહેલા બૉલમાં સમિત પટેલે કૅચ ડ્રૉપ કરતાં જીવતદાન મળ્યું હતું. ત્યાર બાદ યુવરાજ બરાબરનો ખીલ્યો હતો અને તે ૮૦ બૉલમાં ચાર સિક્સર અને સાત ફોર સાથે ૫૯ રનની ઝમકદાર ઇનિંગ્સ રમ્યો હતો અને સ્પિનર ગ્રેમ સ્વાનના બૉલમાં સ્ટમ્પ-આઉટ થયો હતો.

છઠ્ઠા નંબરનો દાવેદાર રૈના ફ્લૉપ


ટેસ્ટ-ટીમમાં છઠ્ઠા નંબરના બે મુખ્ય દાવેદારોમાંના યુવરાજ સિંહે શાનદાર ઇનિંગ્સ વડે પોતાનો દાવો મજબૂત કર્યો હતો, પણ બીજો દાવેદાર સુરેશ રૈના ૨૦ રન બનાવીને ફ્લૉપ રહ્યો હતો. ઇરફાન પઠાણે ૮૩ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૬ રન બનાવીને ટીમના સ્કોરને મજબૂતી બક્ષી હતી. દિવસના અંતે વિનયકુમાર ૨૫ અને પરવિન્દર અવાના ૧૧ રન સાથે નૉટઆઉટ હતા. ઇંગ્લૅન્ડ વતી પેસ બોલર બ્રેસ્નન અને સ્પિનર ગ્રેમ સ્વાને ત્રણ-ત્રણ તથા જિમી ઍન્ડરસન અને સમિત પટેલે એક-એક વિકેટ લીધી હતી.

સ્ટીવન ફિન ઈજા પામ્યો

ઇંગ્લૅન્ડને ગઈ કાલે પહેલા જ દિવસે ઝટકો લાગ્યો હતો. પેસ બોલર સ્ટીવન ફિને ચાર ઓવર કર્યા બાદ સ્નાયુ ખેંચાઈ જતાં તેણે સ્કૅન માટે દોડી જવું પડ્યું હતું. સ્કૅનનો રિપોર્ટ આજે આવશે.