વેસ્ટ ઇન્ડીઝને ઘાયલ બેસ્ટ જિતાડતો ગયો

26 November, 2012 06:23 AM IST  | 

વેસ્ટ ઇન્ડીઝને ઘાયલ બેસ્ટ જિતાડતો ગયો



ખુલના: બંગલા દેશ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટમૅચમાં પરાજિત થવાની સાથે સિરીઝ ૦-૨થી હારી બેઠું એમાં કૅરિબિયન ફાસ્ટ બોલર ટિનો બેસ્ટની સૌથી મોટી ભૂમિકા હતી. પ્રથમ દાવમાં તે સાથળની ઈજા કારણે માંડ ૧૦ ઓવર કરી શક્યો હતો અને એમાં ૩૧ રનમાં તેને એકેય વિકેટ નહોતી મળી. સાથળનો દુખાવો વધી ગયો હોવા છતાં તેણે બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરી હતી અને ૧૨.૧ ઓવરમાં ૪૦ રનમાં ૬ વિકેટના જબરદસ્ત પર્ફોમન્સ સાથે વેસ્ટ ઇન્ડીઝને શ્રેણીવિજય હાંસલ કરવામાં મોટો ફાળો આપ્યો હતો.

બેસ્ટે મીરપુરની પ્રથમ ટેસ્ટમાં બીજા દાવની પાંચ વિકેટ સહિત કુલ છ વિકેટ લીધી હતી. તે હવે વેસ્ટ ઇન્ડીઝ પાછો જતો રહ્યો છે અને શુક્રવારે બંગલા દેશ સામે શરૂ થનારી પાંચ મૅચની વન-ડે સિરીઝમાં નહીં રમે.

કૅરિબિયનોને માત્ર ૨૭નો ટાર્ગેટ


વેસ્ટ ઇન્ડીઝે લીધેલી ૨૬૧ રનની લીડ બંગલા દેશે ગઈ કાલે ઉતારી લીધી હતી, પરંતુ માત્ર ૨૮૭ રન થયા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા ૨૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. બેસ્ટની છ વિકેટ ઉપરાંત લેફ્ટી સ્પિનર વીરાસામી પમોર્લે ત્રણ તથા ફિડેલ એડવર્ડ્સે એક વિકેટ લીધી હતી.

કૅરિબિયન ટીમે ૨૭ રન ૪.૪ ઓવરમાં વિના વિકેટે બનાવી લીધા હતા જેમાં ક્રિસ ગેઇલના ૨૦ અને કાઇરન પોવેલના ૯ રન હતા.

ચંદરપૉલ મૅન ઑફ ધ સિરીઝ

ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૨૬૦ રન બનાવનાર માર્લન સૅમ્યુલ્સને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. શિવનારાયણ ચંદરપૉલે સિરીઝમાં ૩૫૪.૦૦ની બૅટિંગઍવરેજે ૩૫૪ રન બનાવ્યા હતા જે બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. તેને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો. સિરીઝની ત્રણ ઇનિંગ્સમાં તેના સ્કોર્સ આ હતા : ૧, ૨૦૩ નૉટઆઉટ અને ૧૫૦ નૉટઆઉટ.

સિરીઝમાં ફાસ્ટ બોલર ટિનો બેસ્ટ અને બંગલા દેશી સ્પિનર સોહાગ ગાઝીની ૧૨-૧૨ વિકેટ હાઇએસ્ટ હતી.