કારનો દરવાજો ખુલ્લો રહી ગયો અને વૉલેટ ચોરાઈ ગયું : ટિમ પેઇન

01 April, 2020 12:22 PM IST  |  Sydney | Agencies

કારનો દરવાજો ખુલ્લો રહી ગયો અને વૉલેટ ચોરાઈ ગયું : ટિમ પેઇન

ટિમ પેઇન

ઑસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન ટિમ પેઇનને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તેને ખબર પડી કે તેનું વૉલેટ ચોરાઈ ગયું છે અને એમાં રહેલા ક્રેડિટ કાર્ડથી ખરીદી થઈ રહી છે. કોરોનાને લીધે સેલ્ફ આઇસોલેટ થયેલા ટિમ પેઇને આ વાતની જાણકારી આપી હતી. ટિમે કહ્યું કે ‘મારી ગૅરેજને હું જિમ બનાવવા માગતો હતો અને એ માટે મેં ગાડી બહાર રસ્તા પર પાર્ક કરી હતી. હું મારી ફિટનેસ અને કવર ડ્રાઇવ પર કામ કરવા માગતો હતો. મને ત્યારે શૉક લાગ્યો જ્યારે મને બૅન્કમાંથી એસએમએસ આવ્યો કે મારું ક્રેડિટ કાર્ડ વાપરવામાં આવ્યું છે. મેં તાબડતોબ જઈને જોયું તો કારનો દરવાજો ખુલ્લો હતો અને વૉલેટ ગાયબ હતું.’

પોતાનું પાકીટ ચોરાઈ જતાં ટિમ પેઇન નારાજ થયો છે. જોકે હાલમાં કોરોનાને લીધે તે પોતાના ઘરે સેલ્ફ આઇસોલેશનમાં છે અને પોતાની ક્રિકેટ-ટેક્નિકમાં સુધારો કરવાની દિશામાં કામ કરી રહ્યો છે.

ટેસ્ટ કૅપ્ટન્સી માટે સ્મિથ એકમાત્ર ઑપ્શન નથી : ટિમ પેઇન

ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન ટિમ પેઇનનું કહેવું છે કે ટીમને લીડ કરવા માટે કૅપ્ટન તરીકે સ્ટીવન સ્મિથ એકમાત્ર ઑપ્શન નથી. આ વિશે વાત કરતાં ટિમે કહ્યું કે ‘અમારી પાસે એવા ઘણા પ્લેયર છે જેઓ આ જવાબદારી સંભાળવા માટે રેડી છે. સ્ટીવન સ્મિથ પહેલાં આ કામ કરી ચૂક્યો છે, જ્યારે ટ્રેવિસ હેડ, ઍલેક્સ કૅરી, માર્નસ લબુશેન અને પેટ કમિન્સ જેવા પ્લેયરો પોતાને આ રોલ માટે તૈયાર કરી રહ્યા છે. અમે અમારી ટીમનો મજબૂત પાયો નાખવાની શરૂઆત કરી રહ્યા છીએ જેથી આવનારા દિવસોમાં અમારી પાસે ઑપ્શન ખુલ્લાં રહે.’

coronavirus australia cricket news sports news