09 January, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા
ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝની પહેલી ત્રણ મૅચમાંથી થયો આઉટ ભારતીય ક્રિકેટ-ટીમ માટે T20 વર્લ્ડ કપ 2026 પહેલાં એક મોટા ફટકારૂપ સમાચાર આવ્યા છે. એશિયા કપ 2025ની ફાઇનલ મૅચનો હીરો તિલક વર્મા હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં હૈદરાબાદ માટે રમવા રાજકોટમાં હાજર હતો. તેને બુધવારે બ્રેકફાસ્ટ વખતે પેટમાં તીવ્ર દુખાવો ઊપડતાં હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેને ગુરુવારે સવારે હૉસ્પિટલમાંથી રજા મળી છે અને આજે હૈદરાબાદમાં તે પોતાના ઘરે જશે.
ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે તિલક વર્માએ બુધવારે પેટની સમસ્યા માટે સર્જરી કરાવી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ T20 મૅચની સિરીઝની પહેલી ત્રણ મૅચમાંથી તે આઉટ થઈ ગયો છે. જ્યારે તેની ઇન્જરી સંપૂર્ણપણે મટી થશે અને તે ટ્રેઇનિંગ-સેશનમાં પાછો ફરશે ત્યારે સિરીઝની બાકીની બે મૅચમાં તેની ઉપલબ્ધતા વિશે નિર્ણય લેવામાં આવશે.’
તિલક વર્માએ અંડકોષ સાથે સંબંધિત ટેસ્ટિક્યુલર ટૉર્સન સર્જરી કરાવી હતી. સર્જરી બાદ રિકવરીમાં ત્રણથી ૪ અઠવાડિયાં લાગી શકે છે.