ત્રણ ડબલ-અટૅક ઇંગ્લૅન્ડને ભારે પડ્યા

18 October, 2011 04:57 PM IST  | 

ત્રણ ડબલ-અટૅક ઇંગ્લૅન્ડને ભારે પડ્યા

 

 

ઇનિંગ્સની શરૂઆતમાં, મિડલમાં અને સ્લૉગ ઓવરોમાં બે-બે વિકેટ પડી એટલે ઇંગ્લિશમેનો કન્ટ્રોલમાં રહ્યા અને પછી દિલ્હીના ડેરડેવિલ્સો વિરાટ-ગંભીરે અપાવી જીત  : ભારત ૨-૦થી આગળ

ગઈ કાલની જીતમાં પહેલાં બોલરોનું અને પછી દિલ્હીના બૅટ્સમેનો (મૅન ઑફ ધ મૅચ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર)નું સૌથી મોટું યોગદાન હતું. સાંજના સમયે ભેજને કારણે બોલરોને બૉલ પર ગ્રીપ મેળવવામાં મુશ્કેલી પડી શકે એવી સંભાવના હોવા છતાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને ૪૮.૨ ઓવરમાં ૨૩૭ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ઇનિંગ્સની શરૂઆતમાં કૅપ્ટન ઍલસ્ટર કુક (૦) તથા ક્રેગ કિઝવેટર (૦)ની ઉપરાઉપરી વિકેટો પડી હતી. ઇનિંગ્સની મધ્યમાં પણ રવિ બોપારા (૩૬ રન) તથા કેવિન પીટરસન (૪૬ રન)ની વિકેટો પડી હતી. એ જ પ્રમાણે સ્લોગ ઓવરોની શરૂઆતમાં પણ ઇંગ્લૅન્ડને બે આંચકા લાગ્યા હતા જેમાં સમિત પટેલ (૪૨ રન) તથા જૉની બૅરસ્ટૉ (૩૫ રન)ની વિકેટ પડી હતી. આમ, ત્રણ વખત ઉપરાઉપરી બે-બે વિકેટોના આંચકાથી ઇંગ્લૅન્ડનું ટોટલ ૨૩૭ રન સુધી સીમિત રહ્યું હતું. વિનયકુમારે ચાર તેમ જ ઉમેશ યાદવે બે અને રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન અને પ્રવીણકુમારે એક-એક વિકેટ લીધી હતી.


ભારતે ૮૦ બૉલ બાકી રાખીને બે વિકેટે ૨૩૮ રન બનાવીને મૅચ જીતીને દિલ્હીમાં ડંકો વગાડ્યો હતો. વિરાટ કોહલી (૧૧૨ નૉટઆઉટ, ૯૮ બૉલ, ૧૬ ફોર) અને ગૌતમ ગંભીર (૮૪ નૉટઆઉટ, ૯૦ બૉલ, ૧૦ ફોર) વચ્ચે ૨૦૯ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. બન્ને વિકેટ ટિમ બ્રેસ્નને લીધી હતી.
હવે ત્રીજી વન-ડે (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર બપોરે ૨.૩૦) ગુરુવારે મોહાલીમાં રમાશે.