31 March, 2022 02:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર : એ.એફ.પી.
ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વૉર્નને ગઈ કાલે તેના હોમટાઉન મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ પરના સમારંભમાં અનેક નામાંકિત હસ્તીઓની ઉપસ્થિતિમાં અને ૫૦,૦૦૦થી પણ વધુ પ્રેક્ષકોની હાજરીમાં રાષ્ટ્રીય અંજલિ આપવામાં આવી હતી. વાસ્તવમાં સ્પિનના જાદુગરને સમગ્ર ક્રિકેટવિશ્ર્વએ અંજલિ આપી હતી. આ અગાઉ પ્રાઇવેટ ફ્યુનરલ યોજાયું હતું અને ગઈ કાલની શોકસભામાં તેને સંગીતમય માહોલ વચ્ચે તેમ જ નામાંકિત ક્રિકેટરોની સ્પીચ વચ્ચે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એમસીજી તરીકે જગવિખ્યાત આ સ્ટેડિયમના એક સ્ટૅન્ડને શેન વૉર્નનું નામ અપાયું છે અને એના પર ઊભા રહીને તેના એક પુત્ર અને બે પુત્રીઓએ પિતાને અંજલિ અર્પી હતી. બાવન વર્ષના વૉર્નનું ૪ માર્ચે થાઇલૅન્ડના એક વિલામાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હોવાનું ત્યાંથી મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.
શોકસભામાં વડા પ્રધાન મૉરિસનનો હુરિયો બોલાવ્યો
વૉર્નને રાષ્ટ્રીય અંજલિ આપવા આયોજિત શોકસભામાં હોસ્ટ એડી મૅક્ગ્વાયરે વડા પ્રધાન સ્કૉટ મૉરિસનનું સ્વાગત કર્યું કે થોડી જ વારમાં ૫૦,૦૦૦ પ્રેક્ષકોની વચ્ચેના એક વર્ગના લોકોએ મૉરિસનનો હુરિયો બોલાવ્યો હતો. દેશના વડા કોઈની શોકસભામાં આવે ત્યારે તેમનો હુરિયો બોલાવવો જરાય ઠીક ન કહેવાય એવા અભિપ્રાયો સાથે સોશ્યલ મીડિયા પર મતમતાંતર જોવા મળ્યા હતા.
ગઈ કાલે મેલબર્નમાં શેન વૉર્ન માટે આયોજિત સ્ટેટ મેમોરિયલ સર્વિસમાં હાજરી આપવામાં આવેલી તેની એક મહિલા ચાહકે પોતાના પગ પર શેન વૉર્નના ટૅટૂને બતાવતો પોઝ આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાના વિખ્યાત ફાસ્ટ બોલર મર્વ હ્યુઝ અને બૅટર ડેવિડ બૂન પણ આ મેમોરિયલ સર્વિસના સ્થળે આવ્યા હતા. મંચ પર ઉપસ્થિત અન્ય ક્રિકેટરોમાં ઍલન બોર્ડર, માર્ક ટેલર, નાસિર હુસેન, બ્રાયન લારા, માઇકલ ક્લાર્કનો સમાવેશ થતો હતો.
સિગારેટને મોઢામાં કૅચ કરવાની વૉર્નની ટ્રિકનો વિડિયો માઇકલ વૉને પોસ્ટ કર્યો
થોડા મહિના પહેલાં શેન વૉર્ને એક પાર્ટીમાં સિગારેટને નાક પર મૂકી ઝડપથી મોં તરફ નીચેની તરફ ઉતારીને બન્ને હોઠ વચ્ચે એ સિગારેટને કૅચ કરી લેવાની તરકીબ સફળતાથી અજમાવી હતી અને એ ઘટનાનો વિડિયો તેના બ્રિટિશ મિત્ર તથા ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલની શેન વૉર્નની શોકસભા પહેલાં પોસ્ટ કર્યો હતો.