ન્યૂઝ શોર્ટમાં: ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં આ વખતે રમાશે યુએસ ઓપન‍, વાંચો બીજા ન્યૂઝ

18 June, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટીવન સ્મિથ કોણીની ઈજાને લીધે ટી૨૦ વર્લ્ડ કપ અને ઍશિઝમાંથી થઈ શકે છે બહાર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનો કેર ઓછો છતાં આ વખતે યુએસ ઓપનમાં પ્રેક્ષકોના પ્રવેશ અંગે કોઈ પાબંદી નહીં મૂકવામાં આવે. ગયા વર્ષે યુએસ ઓપન ખાલી સ્ટેડિયમમાં રમાઈ હતી. ૩૦ ઑગસ્ટથી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન ન્યુ યૉર્કમાં રમાનારી આ ગ્રૅન્ડ સ્લૅમની ટિકિટ અને પાસનું વિતરણ અને વેચાણ જુલાઈમાં શરૂ થઈ જશે. 

સ્ટીવન સ્મિથ કોણીની ઈજાને લીધે ટી૨૦ વર્લ્ડ  કપ અને ઍશિઝમાંથી થઈ શકે છે બહાર
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન વેસ્ટ ઇન્ડીઝ અને બંગલા દેશ સિરીઝમાંથી હટી ગયો ત્યારે તેણે થાક અને બાયો-બબલ્સ લાઇફથી કંટાળીને નિર્ણય લીધો છે એવું બધા માનતા હતા, પણ હવે ખરું કારણ જાણવા મળ્યું છે કે તે કોણીની ઈજાને લીધે આ બન્ને સિરીઝમાં સામેલ નથી થયો. આ વર્ષની શરૂઆતમાં તેની આ ઈજા વકરી હતી અને એને લીધે કદાચ તે આઇપીએલ પણ રમવા નહોતો આવવાનો, પણ ફિટ જણાતાં પછી આવ્યો હતો. જોકે તેની એ ઇન્જરી ફરી તેને પરેશાન કરી રહી છે અને હવે એવું જાણવા મળ્યું છે કે તે કદાચ આગામી ટી૨૦ વર્લ્ડ કપ અને ત્યાર બાદ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પણ ગુમાવી શકે છે. સ્મિથે ૨૦૧૯માં તેનાં બે વર્ષના બૅન દરમ્યાન સર્જરી પણ કરાવી હતી. બૅન બાદ ઍશિઝ સિરીઝમાં તેણે કમાલનું કમબૅક પણ કર્યું હતું અને ૬૦૦થી વધુ રન બનાવ્યા હતા.

રોજર ફેડરર ફરી ફ્લૉપ
રોજર ફેડરર તેનો જૂનો ટચ મેળવવા મથી રહ્યો છે, પણ સતત નિરાશ થવું પડી રહ્યું છે. જર્મનીમાં ચાલી રહેલી હૅલે ઓપનમાં પહેલી વાર તે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. બુધવારે તે સેકન્ડ રાઉન્ડમાં ૨૦ વર્ષના ખેલાડી સામે ૬-૪, ૩-૬, ૨-૬થી હારી ગયો હતો. ફેડરર ૧૦ વાર આ ટુર્નામેન્ટ જીત્યો છે. 

ઝિમ્બાબ્વેનો જાર્વિસ રિટાયર
ઝિમ્બાબ્વેના પેસબોલર કાઇલ જાર્વિસે ઈજાઓ અને બીમારીથી કંટાળીને ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કરી દેવાનો નિર્ણય લીધો છે. ૨૦૦૯માં ડૅબ્યુ કરનાર પેસબોલરે અત્યાર સુધી ઝિમ્બાબ્વે વતી ૧૩ ટેસ્ટ, ૪૯ વન-ડે અને ૨૨ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે અને તેણે અનુક્રમે ૪૬, ૫૮ અને ૨૮ વિકેટ લીધી હતી. જાર્વિસ છેલ્લે જાન્યુઆરી ૨૦૨૦માં ઘરઆંગણે શ્રીલંકા સામે ટેસ્ટ-મૅચ રમ્યો હતો. 

cricket news sports sports news tennis news