પ્લે-ઑફનાં બે સ્થાન માટે સાત ટીમ વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ શકે

11 May, 2022 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કઈ ટીમને હજી કેટલો ચાન્સ છે એનો સિનારિયો હજી આ તબક્કે પણ ખૂબ રસપ્રદ છે

પ્લે-ઑફનાં બે સ્થાન માટે સાત ટીમ વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ શકે

આઇપીએલની આ વખતની બે નવી અને બે ટોચની ટીમો ગુજરાત ટાઇટન્સ તથા લખનઉ સુપર જાયન્ટ્સે ઘણા દિવસો સુધી મોખરાના સ્થાને રસાકસીમાં વ્યસ્ત રહ્યા બાદ હવે પ્લે-ઑફના ઓપન થયેલા રાઉન્ડને પગલે નવો સિનારિયો સર્જાયો છે. આ બે ટીમને બાદ કરતાં (મુંબઈ ઇન્ડિયન્સને બાદ કરતાં) બાકીની ૭ ટીમ હજીયે પ્લે-ઑફ માટેની હરીફાઈમાં છે એમ કહી શકાય.
દરેક ટીમ ૧૪ લીગ મૅચ રમવાની છે અને ટોચની ચાર ટીમ પ્લે-ઑફમાં જશે. લખનઉ અને ગુજરાતને બાદ કરતાં તેમ જ સ્પર્ધાની બહાર થઈ ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને બાદ કરતાં બાકીની સાતેસાત ટીમના લીગ રાઉન્ડના અંતે ૧૪-૧૪ પૉઇન્ટ થઈ શકે અને એ તબક્કે એ સાત ટીમ પ્લે-ઑફનાં બાકીનાં બે સ્થાન માટે તીવ્ર હરીફાઈમાં ઊતરેલી જોવા મળી શકે.
રાજસ્થાનને ‘રૉયલ’ તક
રાજસ્થાન રૉયલ્સને પ્લે-ઑફમાં જવા ત્રણમાંથી માત્ર બે મૅચ જીતવી જરૂરી છે. જોકે એક વિજય પણ કદાચ પૂરતો થઈ શકે. ગઈ કાલે ગુજરાત-લખનઉની મૅચ પહેલાં રાજસ્થાન (૦.૩૨૬)નો નેટ રન-રેટ લખનઉ (૦.૭૦૩) પછી બીજા નંબરે હતો. જો રાજસ્થાન બાકીની ત્રણેત્રણ મૅચ હારે અને એના અત્યાર જેટલા ૧૪ પૉઇન્ટ જ રહે તો પણ રન-રેટની હરીફાઈ વગર પ્લે-ઑફમાં પહોંચી શકે. જોકે એ માટે બીજી કેટલીક મૅચોનાં પરિણામ રાજસ્થાનની તરફેણમાં હોવાં જોઈએ.
બૅન્ગલોરને પણ મોકો
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના પણ રાજસ્થાન રૉયલ્સની માફક ૧૪ પૉઇન્ટ છે, પરંતુ બૅન્ગલોર એના કરતાં એક મૅચ વધુ રમ્યું છે અને બૅન્ગલોરનો રન-રેટ પણ ઘણો નબળો છે. બૅન્ગલોરની બે જ મૅચ બાકી છે અને આ તબક્કે એણે ૧૬ પૉઇન્ટ ન થતાં પ્લે-ઑફથી વંચિત રહેવું પડે તો નવાઈ નહીં. હા, એક શક્યતા છે કે આ ટીમ ૧૪ પૉઇન્ટ સાથે જ (રન-રેટની હરીફાઈ વિના પણ) પ્લે-ઑફમાં જઈ શકે. નૉકઆઉટમાં સીધું પહોંચવા બૅન્ગલોરે બન્ને મૅચ જીતીને ૧૮ પૉઇન્ટ નોંધાવવા જરૂરી છે.
દિલ્હી, હૈદરાબાદ, પંજાબનું શું?
આ ત્રણેય ટીમ ૧૧-૧૧ મૅચ રમીને એકસરખા ૧૦-૧૦ પૉઇન્ટ ધરાવે છે. હૈદરાબાદ એક તબક્કે ઘણી સારી સ્થિતિમાં હતી, પરંતુ કુલ ૧૧માંથી ૬ મૅચમાં પરાજય થયો હોવાથી ગઈ કાલે છેક છઠ્ઠા નંબરે હતી. આ ત્રણેય ટીમને બાકીની ત્રણેય મૅચ જીતીને ૧૬ પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં જવાનો મોકો છે. જોકે તેમણે એવી આશા રાખવી પડશે કે રાજસ્થાન કે બૅન્ગલોર તેમની બાકીની મૅચો હારી જાય. ખાસ કરીને બૅન્ગલોર -૦.૧૧૫ના રન-રેટને લીધે મુસીબતમાં મુકાઈ શકે. આ ત્રણેય ટીમમાં માત્ર દિલ્હી કૅપિટલ્સનો રન-રેટ (+૦.૧૫૦) પૉઝિટિવ છે. બીજું, આ ત્રણ ટીમમાંથી માત્ર પંજાબે હવે મુંબઈ ઇન્ડિયન્સ સામે એકેય મૅચ નથી રમવાની. મુંબઈની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે અને પંજાબને એને હરાવવાનો મોકો હવે નથી મળવાનો. હૈદરાબાદ છેલ્લી ચારેચાર મૅચ હાર્યું હોવાથી એના માટે આવનારા દિવસો કપરી કસોટીના છે.
કલકત્તા આગળ, ચેન્નઈ પાછળ
સાવ તળિયે મુંબઈની ટીમ (૪ પૉઇન્ટ, -૦.૭૨૫નો રન-રેટ) છે. એની ઉપર ચેન્નઈ સુપર કિંગ્સના ૮ પૉઇન્ટ અને +૦.૦૨૮નો રનરેટ છે. ચેન્નઈ ઉપરાંત કલકત્તા નાઇટ રાઇડર્સે પણ પ્લે-ઑફમાં જવા બાકીની ત્રણેય મૅચ જીતવી પડે જેથી તેમના ૧૪ પૉઇન્ટ થઈ શકે. હા, તેમણે આગળ વધવા બીજી ટીમના પરાજયની પણ અપેક્ષા રાખવી પડશે. ચેન્નઈ-કલકત્તા વચ્ચે છેલ્લે રન-રેટની હરીફાઈ પણ જોવા મળે તો નવાઈ નહીં લાગે.

sports news cricket news