અમ્પાયર દંપતી આજે રચશે નવો ઇતિહાસ

02 July, 2022 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૅકબર્નથી લૉફબરો આવેલું આ અમ્પાયર-દંપતી રૅચલ હેહો ફ્લિન્ટ ટ્રોફીમાં લાઇટનિંગ અને વેસ્ટર્ન સ્ટૉર્મ વચ્ચેની મૅચમાં સજોડે અમ્પાયરિંગ કરશે

અમ્પાયર દંપતી આજે રચશે નવો ઇતિહાસ

૧૯૯૫માં પાકિસ્તાન વતી બે વન-ડે રમ્યા બાદ અમ્પાયર બનેલા ઑલરાઉન્ડર નઇમ અશરફ અને તેમનાં પત્ની જાસ્મિન નઇમ એવાં પહેલાં પતિ-પત્ની છે જેઓ આજે ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડની પ્રોફેશનલ મૅચમાં એકસાથે અમ્પાયરિંગ કરશે. બ્લૅકબર્નથી લૉફબરો આવેલું આ અમ્પાયર-દંપતી રૅચલ હેહો ફ્લિન્ટ ટ્રોફીમાં લાઇટનિંગ અને વેસ્ટર્ન સ્ટૉર્મ વચ્ચેની મૅચમાં સજોડે અમ્પાયરિંગ કરશે.
નઇમ અશરફ અને જાસ્મિન નઇમે થોડા દિવસ પહેલાં લગ્નજીવનનાં ૨૩ વર્ષ પૂરાં કર્યાં હતાં. ગૂગલ પર તેમના ફોટો બે દિવસથી વાઇરલ થયા છે.
નઇમ અશરફે ઈજાને કારણે રમવાનું બંધ કરેલું ત્યારે તેમણે અને પત્ની જાસ્મિને એકસાથે અમ્પાયરિંગ શરૂ કર્યું હતું. જાસ્મિને એક મુલાકાતમાં કહ્યું છે કે ‘અમે લૅન્કેશર અને ગ્રેટર મૅન્ચેસ્ટર જેવી લીગમાં સાથે અમ્પાયરિંગ કર્યું છે. જોકે કોઈ એ જાણતું જ નહોતું કે અમે પતિ-પત્ની છીએ.’
આજે નઇમ કપલ સજોડે અમ્પાયરિંગ કરવા મેદાનમાં ઊતરશે ત્યારે તેમના ત્રણ પુત્રો શાઝીબ, ઉમર અને ઝહીર એક સ્ટૅન્ડમાંથી તેમને ચિયર-અપ કરશે.

sports news cricket news