બે મહત્ત્વપૂર્ણ પૉઇન્ટ સાથે પ્લે-ઑફની દાવેદારી મજબૂત કરવા પર હશે બન્ને રૉયલ ટીમની નજર
બૅન્ગલોરને રોકવાની રૉયલ ચૅલેન્જ છે રાજસ્થાન સામે
દુબઈમાં આજે બે રૉયલ ટીમો રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોર અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે દમદાર ટક્કર જામવાની છે. બૅન્ગલોર અત્યારે ૧૦ મૅચમાં ૬ જીત સાથે ૧૨ પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. હવે ચાર જ મૅચ બાકી હોવાથી દરેક મૅચ બાદ પ્લે-ઑફની સ્પર્ધા વધુ તીવ્ર બનવાની હોવાથી હવે પછી દરેક પૉઇન્ટ અને હાર-જીતનું માર્જિન ખૂબ મહત્ત્વનું બની શકે છે. બૅન્ગલોર માટે આ સીઝન કમાલની રહી છે અને તેઓ સતત ત્રણ હાર બાદ છેલ્લી મૅચમાં ચૅમ્પિયન મુંબઈ સામે મળેલી શાનદાર જીત સાથે મેળવેલા જોશને જાળવીને આજે સ્ટ્રગલ કરી રહેલા રાજસ્થાનને પછાડીને પોતાનું સ્થાન મજબૂત કરવા વિરાટસેના કોઈ કસર બાકી નહીં રાખે. બીજી તરફ ૧૦ મૅચમાં ૬ હાર અને ચાર જીતના અસાત્યભર્યા પર્ફોર્મન્સને લીધે તેઓ પૉઇન્ટ ટેબલમાં સેકન્ડ લાસ્ટ સાતમા નંબરે ઝઝૂમી રહ્યા છે. સતત બે હાર બાદ હવે રાજસ્થાનને આજે હારની હૅટ-ટ્રિક જરાય પરવડી શકે એમ નથી.
યુએઈમાં બૅન્ગલોરને ઓપનરો દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલી જ સહારો હતા, પણ હવે ગ્લેન મૅક્સવેલ પણ ખીલી રહ્યો હોવાથી થોડી રાહત થઈ છે. હવે જો એ. બી. ડિવિલિયર્સ પણ ફૉર્મ મેળવી લે તો બૅન્ગલોરને રોકવાનું મુશ્કેલ થઈ પડશે. બોલિંગ-અટૅકનો જાન પર્પલ કૅપ હોલ્ડર હર્ષલ પટેલ છે અને ૨૩ વિકેટ સાથે તે કમાલ કરી રહ્યો છે. મુંબઈ સામે તો કરીઅરની પ્રથમ હૅટ-ટ્રિક લઈને તેણે હાહાકાર મચાવી દીધો હતો. ટી૨૦ વર્લ્ડ કપમાંથી બાદબાકીની નિરાશાને યુઝવેન્દ્ર ચહલે ભુલાવીને ફરી તેની આંગળીઓ પર બૅટરોને નચાવી રહ્યો છે.
સંજુ એકલો પડી જાય છે
બીજી તરફ રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન સંજુ સૅમસન એકલેાહાથે લડી રહ્યો છે. તેને સામા છેડે ફક્ત યશશ્વી જયસ્વાલ અને મહિપાલ લોમરોરનો જ થોડોઘણો સાથ મળી રહ્યો છે. ઑલરાઉન્ડર ક્રિસ મૉરિસ, રિયાન પરાગ અને રાહુલ તેવટિયાની નિષ્ફળતા ટીમને ખૂબ જ નડી રહી છે. આજે બૅન્ગલોર ચૅલેન્જર્સ સામેની રૉયલ ટેસ્ટમાં પાસ થવા માટે દરેક ખેલાડીએ ખીલવું પડશે.
આમને-સામને
બન્ને ટીમ વચ્ચેના આઇપીએલના અત્યાર સુધીના ૨૪ મુકાબલાઓમાં બૅન્ગલોર ૧૧ અને રાજસ્થાન ૧૦ જીત્યું છે. ત્રણ મુકાબલાઓનું કોઈ પરિણામ નહોતું આવી શક્યું. રાજસ્થાન સામે છેલ્લી ત્રણેય મૅચ (ગઈ સીઝનની બન્ને લીગ અને આ સીઝનની પહેલી ટક્કર) બૅન્ગલોરે જીતી લીધી છે. આ સીઝનની પહેલી ટક્કરમાં ૧૭૮ રનનો ટાર્ગેટ બૅન્ગલોરે એકેય વિકેટ ગુમાવ્યા વિના મેળવી લીધો હતો.
18
બૅન્ગલોરનો ગ્લેન મૅક્સવેલ આજે વધુ આટલા રન બનાવશે તો તે ટી૨૦ ક્રિકેટમાં ૭૦૦૦ રનનો માઇલસ્ટોન મેળવી લેશે.