ચેતન શર્માના ફિટનેસ ફન્ડાએ બધાને વિચારતા કરી દીધા

19 February, 2023 05:52 PM IST  |  Mumbai | Ajay Motivala

ભારતીય ક્રિકેટની સિનિયર સિલેક્શન કમિટીના ચીફ ચેતન શર્માને હોદ્દો છોડવાની ફરજ પાડવામાં આવી એ પાછળ મુખ્ય કારણ એ હતું કે તેમણે ભારતીય ક્રિકેટરોની વિશ્વસનીયતાને કથિત નિવેદનોથી હાનિ પહોંચાડી હતી.

ચેતન શર્માના ફિટનેસ ફન્ડાએ બધાને વિચારતા કરી દીધા

ભારતીય ક્રિકેટની સિનિયર સિલેક્શન કમિટીના ચીફ ચેતન શર્માને હોદ્દો છોડવાની ફરજ પાડવામાં આવી એ પાછળ મુખ્ય કારણ એ હતું કે તેમણે ભારતીય ક્રિકેટરોની વિશ્વસનીયતાને કથિત નિવેદનોથી હાનિ પહોંચાડી હતી. બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ખેલાડીઓ સાથેના વ્યવહારની સિલેક્શન મીટિંગોની, પ્લેયર્સ વચ્ચેના સંબંધોને લગતી ‘અંદર કી બાત’ અને ગુપ્ત વાતોને પબ્લિક ડોમેનમાં લાવીને તેમણે તો મોટો દાબડો ખોલી નાખ્યો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીનાં બે જૂથ પડી ગયાં, કોહલી-ગાંગુલી વચ્ચે અહમ્ ટકરાતા હતા વગેરે ચેતન શર્માનાં વિધાનો હજી માની શકાય એવાં છે, પરંતુ આપણા કેટલાક ક્રિકેટરો ૮૦ ટકા ફિટનેસને ૧૦૦ ટકા કરાવવા ખાસ પ્રકારનાં ઇન્જેક્શન લેતાં હોવાનો ચેતન શર્માનો સિરિયસ આક્ષેપ જરૂર ચર્ચાસ્પદ બનશે. આ વિષય ભારતીય ક્રિકેટમાં વધુ નહીં ચર્ચાય તો પણ કેટલાક નાના ક્રિકેટ-પ્લેઇંગ દેશોના ખેલાડીઓની ફિટનેસ-રિજિમ બાબતમાં આ મહત્ત્વનો મુદ્દો જરૂર બનશે.
ઘણા મહિનાથી ટીમ ઇન્ડિયાથી દૂર જસપ્રીત બુમરાહ વાંકો પણ નથી વળી શકતો, એવું ચેતન શર્માએ કહ્યું છે. ખરેખર તો આવું કહીને તેમણે બુમરાહના અસંખ્ય ચાહકોને આઘાતમાં ડુબાડી દીધા છે અને બીસીસીઆઇને પણ વિચારતું કરી દીધું છે.
બુમરાહનો ફિટનેસનો મુદ્દો તો મહત્ત્વનો છે જ, પરંતુ મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ એકધારું રમતા રહેશે તો તેમને પણ ફિટનેસની સમસ્યા નડશે. ટીમ ઇન્ડિયા અત્યારે સ્પીન બોલિંગનો ગોલ્ડન પિરિયડ માણી રહી છે, પરંતુ નજીકના ભવિષ્યમાં પેસ પ્રૉબ્લેમ નડવાનો જ છે.

ફરી ચેતન શર્માનાં ચોકાવનારાં વિધાનો પર આવીએ તો તેમણે ઝી ન્યુઝના સ્ટિંગ ઑપરેશનમાં ટીમ ઇન્ડિયાની ફિટનેસની જે વાત કરી એનાથી વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (વાડા) તથા નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા) પણ સતર્ક થઈ જશે. થોડું બેઝિક જાણીએ તો આપણા ક્રિકેટરોની ફિટનેસ અને અન્ય તબીબી સમસ્યા ઉકેલવા માટે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ) વન-સ્ટૉપ શૉપ જેવી છે. બૅન્ગલોરની આ સંસ્થા પ્લેયર્સની પૂરેપૂરી કાળજી રાખે છે. કહેવાય છે કે દરેક રમતમાં ઍથ્લીટો પર્ફોર્મન્સને મહત્તમ સ્તર સુધી લઈ જવા ૧૫-૨૦ ટકા ઈજાને મેડિકલ હેલ્પથી સમેટી લેતા હોય છે. જોકે આ ટૂંકા ગાળા માટેની પ્રોસેસ તબીબી દેખરેખમાં જ પાર પડતી હોય છે અને કાયદાકીય રીતે પણ એ સ્વીકાર્ય હોય છે. હા, બુમરાહ જેવી ફિટનેસની સમસ્યા હોય કે રવીન્દ્ર જાડેજાનો સર્જરીનો મામલો હોય, એમાં કોઈ શૉર્ટ કટ નથી હોતો. ઘણી વાર બની શકે કે ખેલાડી ૧૦૦ ટકા ફિટનેસ સર્ટિફિકેટ સાથે પાછો રમવા આવ્યો હોય એ પછી ફરી એ જ શારીરિક ઈજાનો ભોગ બનતો હોય છે. એવા કિસ્સામાં જે-તે ખેલાડીની શારીરિક નબળાઈ કે કમબૅક પછીના વધુ પડતા શારીરિક બોજ જેવાં કારણો પણ જવાબદાર હોય છે.
‘વાડા’ ખેલાડીઓને રેન્ડમલી ચેક કરે જ છે. ખુદ બીસીસીઆઇ પણ પ્લેયર્સ માટેનાં ટેસ્ટ કરાવે છે. બોર્ડની ખ્યાતનામ ડૉક્ટર્સની પૅનલ ખેલાડીઓના મેડિકલ ઇશ્યુઝ ઉકેલે છે.
અસંખ્ય ઇન્ટરનૅશનલ સિરીઝો, ટુર્નામેન્ટો, વર્લ્ડ કપ, દર વર્ષે રમાતી આઇપીએલને ધ્યાનમાં લેતાં હવે તો આખું વર્ષ ફિટ રહેવું કોઈ પણ ક્રિકેટર માટે બહુ મોટો પડકાર છે. એટલે જ ભારત સહિત મોટાં ક્રિકેટ રાષ્ટ્રોએ ખેલાડીઓને ફિટ રાખવા રોટેશન પૉલિસી શરૂ કરી છે. આ નીતિને લીધે જ થોડા મહિનાથી ભારતની બેન્ચ સ્ટ્રેંગ્થ વધી છે. આપણે ગમે ત્યારે કોઈ પણ સિરીઝ માટે સ્ટ્રૉન્ગ ઇલેવન રમવા મોકલી શકીએ છીએ.

sports news cricket news board of control for cricket in india