રણજી ટ્રોફીમાં ઘટ્યો મુંબઈની ટીમનો પ્રભાવ

29 January, 2023 06:03 PM IST  |  Mumbai | Umesh Deshpande

કારણો ભલે ભિન્ન-ભિન્ન હોય, પણ હકીકત એ છે કે છેલ્લી પાંચ સીઝનથી મુંબઈની ટીમ આ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે

૨૦ જાન્યુઆરીએ દિલ્હીના ખેલાડીઓને અભિનંદન આપતા અજિંક્ય રહાણે, પૃથ્વી શૉ અને સરફરાઝ ખાન.

મહારાષ્ટ્ર સામેની મૅચ ડ્રૉ થતાં મુંબઈની ટીમ રણજી ટ્રોફી માટે ક્વૉલિફાય થઈ શકી નથી. આ મૅચ એણે કોઈ પણ હાલતમાં જીતવાની હતી, પરંતુ એમ ન થઈ શકતાં આંધ્રની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગયા વર્ષે મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં મધ્ય પ્રદેશની ટીમે એને ૬ વિકેટે હરાવી હતી. અજિંક્ય રહાણે જેવા અનુભવી કૅપ્ટન હોવા છતાં ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પણ પ્રવેશી શકી નહોતી.  

૪૧ વખત ચૅમ્પિયન 
૧૯૩૫થી દેશમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે મહત્ત્વની ગણાતી રણજી ટ્રોફી ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ ૪૧ વખત ચૅમ્પિયન બની છે, તો ૪૬ વખત ફાઇનલમાં પહોંચી છે. જોકે કોઈ ટીમ ૧૦ વખત પણ આ ટ્રોફી જીતી શકી નથી. આમ રણજી ટ્રોફી જીતવાનો મુંબઈનો ભવ્ય ભૂતકાળ છે. ૧૯૫૩-’૫૪થી ૧૯૭૨-’૭૩ વચ્ચેના સમયગાળામાં મુંબઈ ૨૦ પૈકી ૧૮ વખત ટ્રોફી જીત્યું હતું. માત્ર બરોડા અને મદ્રાસની ટીમ એને હરાવી શકી હતી. નૅશનલ ટીમમાં પણ મુંબઈના ચાર-પાંચ ખેલાડીઓ રમતા હોય એવા દિવસો હવે રહ્યા નથી. 

સરફરાઝ બીમાર
મહારાષ્ટ્ર સામેની મૅચમાં મુંબઈની ટીમ તરફથી આ રણજી સીઝનમાં ૫૫૬ રન ફટકારનાર બૅટર સરફરાઝ ખાન બીમાર થઈ ગયો હતો. તેને તાવ આવતાં તે આ મૅચમાં રમી શક્યો નહોતો. બીજી તરફ પૃથ્વી શૉની પસંદગી ભારતની ટી૨૦ ટીમમાં, તો ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પસંદગી વન-ડે ટીમમાં થતાં એનો ફટકો મુંબઈની રણજી ટીમને પડ્યો હતો. મુંબઈ ઇન્ડિયન જેવી એક આઇપીએલની ટીમ પાસે અનેક બોલર-બૅટર તથા અન્ય વિકલ્પ છે, ત્યારે રણજી ટ્રોફી માટેની ટીમની હાલત આવી કેમ? અગાઉ સ્ટાર ખેલાડીઓ વગર પણ મુંબઈની ટીમ નૉકઆઉટમાં પ્રવેશતી હતી, પરંતુ હવે એવી હાલત રહી નથી. 

આ પણ વાંચો:મહારાષ્ટ્રના બોલિંગ આક્રમણ સામે બ્રેબર્નમાં મુંબઈનો સંઘર્ષ

અન્ય ટીમનો દબદબો 
છેલ્લાં પાંચ વર્ષની રણજી ટ્રોફી ચૅમ્પિયન ટીમો પર નજર નાખીએ તો મધ્ય પ્રદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમે પોતાના પ્રદર્શનમાં સારોએવો સુધારો કર્યો છે, જે પરિણામથી સ્પષ્ટ દેખાય છે. વિદર્ભ બે વખત ચૅમ્પિયન બન્યું છે. રાઉન્ડ મૅચમાં આ વખતે મુંબઈની ટીમને દિલ્હીએ હરાવી હતી. ૪૩ વર્ષ બાદ દિલ્હીની ટીમ મુંબઈ સામે જીતવામાં સફળ થઈ હતી. આ તમામ પરિણામોની અસર થતાં ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી શકી નહોતી.

બદલાયો ટ્રેન્ડ 
મુંબઈ ક્રિકેટ અસોસિએશન પાસે વાનખેડે, બ્રેબર્ન જેવાં આંતરરાષ્ટ્રીય સુવિધા ધરાવતાં સ્ટેડિયમ છે. યુવાઓને માર્ગદર્શન આપી શકે એવા સિનિયર ખેલાડીઓ છે, પરંતુ એવું તે શું થઈ ગયું કે ચાર દિવસની મૅચ માટે મુંબઈને સારા ખેલાડીઓ જ મળતા નથી. આઇપીએલને કારણે સ્થાનિક યુવાઓને પણ આ સ્પર્ધામાં એવો ખાસ રસ રહ્યો નથી. વળી તમે આ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરો તો નૅશનલ ટીમમાં તમારી પસંદગી થાય એવો પહેલાં જેવો ટ્રેન્ડ પણ રહ્યો નથી. વળી દર્શકોનો રસ પણ ઓછો થઈ ગયો છે. પહેલાં જે રીતે આ ફર્સ્ટ ક્લાસ મૅચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને જે રીતે હીરો બનાવવામાં આવતા એવું હવે રહ્યું નથી. મૅચ જોવા માટે સ્ટેડિયમમાં પણ પહેલાં જેવી ગિરદી જામતી નથી. 

sports news cricket news ranji trophy