કાશ્મીરના ગવર્નરે ઉમરાન મલિકને મળીને શાબાશી આપી

26 May, 2022 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલમાંથી બહાર થઈ ગઈ એનો અફસોસ એના ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિકને જરૂર હશે.

કાશ્મીરના ગવર્નરે ઉમરાન મલિકને મળીને શાબાશી આપી

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલમાંથી બહાર થઈ ગઈ એનો અફસોસ એના ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિકને જરૂર હશે, પરંતુ સાઉથ આફ્રિકા સામે ૯ જૂને ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમમાં તેનો સમાવેશ થતાં તે બેહદ ખુશ છે. તેના આનંદમાં વધારો કરે એવી એક ઘટના મંગળવારે બની, જેમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા તેને મળ્યા હતા અને તેની ખૂબ પ્રશંસા કરવાની સાથે તેને શાબાશી આપી હતી અને તેનાં મમ્મી-પપ્પાને અને સમગ્ર પરિવારને અભિનંદન આપ્યાં હતાં.
બાવીસ વર્ષના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર ઉમરાનનો જન્મ ૧૯૯૯માં કાશ્મીરના શ્રીનગર શહેરમાં થયો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે જમ્મુ અને કાશ્મીરની ટીમ વતી રમ્યો છે.
એ.એન.આઇ. અને આઇ.એ.એન.એસ.ના અહેવાલો મુજબ મનોજ સિંહાએ ઉમરાનને મળ્યા બાદ કહ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીરની સરકાર ઉમરાનની તાલીમ અને અન્ય સુવિધાઓ બાબતમાં ખાસ કાળજી લેશે. તેણે દેશને અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીરને ગૌરવ અપાવ્યું છે. આ કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનો ઉમરાનને અનુસરીને જમ્મુ-કાશ્મીરને ગૌરવ અપાવવા મૉટિવેટ થશે. સરકારની સ્પોર્ટ્‍સની નીતિ મુજબ તેને જ્યારે જરૂર પડે ત્યારે જમ્મુ-કાશ્મીર સરકારમાં નોકરી મળી શકશે.’
ઉમરાન મલિક આઇપીએલની આ સીઝનમાં ૨૨ વિકેટ સાથે તમામ બોલરોમાં ગઈ કાલે ચોથા નંબર પર હતો.

sports news cricket news kashmir