ટેસ્ટ-ક્રિકેટના બે ‘ફાસ્ટ ફૉર્વર્ડ’

28 June, 2022 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મયંક અગરવાલને ઇંગ્લૅન્ડમાં ક્વૉરન્ટીનના પ્રોટોકોલ વગર ટીમમાં સીધો પ્રવેશ : વિકેટકીપર બેન ફૉક્સના વિકલ્પ સૅમ બિલિંગ્સને બ્રિટિશ ઇલેવનમાં ડાયરેક્ટ એન્ટ્રી

ટેસ્ટ-ક્રિકેટના બે ‘ફાસ્ટ ફૉર્વર્ડ’

ટેસ્ટ-ક્રિકેટમાં છેલ્લા બે દિવસમાં એવા બે બનાવ બની ગયા જે ટીમમાં ખેલાડીને સમાવવાની બાબતમાં ઝડપી પગલાં ગણી શકાય. એક કિસ્સો ભારતીય ટીમમાં અને બીજો બનાવ ઇંગ્લૅન્ડની ટીમમાં બન્યો.
રોહિત શર્માનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં મયંક અગરવાલને પહેલી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામે એજબૅસ્ટનમાં રમાનારી ટેસ્ટ માટેની ટીમમાં સમાવવા બોલાવવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારની તાજેતરની ટ્રાવેલ ઍડ્વાઇઝરી અનુસાર મયંકે ઇંગ્લૅન્ડ પહોંચ્યા પછી ત્યાં ક્વૉરન્ટીન નહીં થવું પડે. એનો અર્થ એ છે કે જો જરૂર લાગશે તો તેને ટેસ્ટ-ઇલેવનમાં સીધો જ સમાવી શકાશે. કે. એલ. રાહુલ ઈજાને કારણે આ ટેસ્ટમાં નથી રમી રહ્યો.
રવિવારે લીડ્સમાં ન્યુ ઝીલૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લૅન્ડના વિકેટકીપર બેન ફૉક્સ પીઠની ઈજાને કારણે મૅચમાંથી નીકળી જતાં જૉની બેરસ્ટૉવે કીપિંગની જવાબદારી સંભાળી હતી, પરંતુ સૅમ બિલિંગ્સને કોવિડ-રિપ્લેસમેન્ટ તરીકે બોલાવવામાં આવ્યો છે અને આઇસીસીની પરવાનગી પછી તેને સીધો ૧૧ ખેલાડીઓની ટીમમાં સમાવી દેવાયો છે.

sports news cricket news