માની ગયા હૉકી-કોચ, પાછું ખેંચ્યું રાજીનામું

23 October, 2014 06:35 AM IST  | 

માની ગયા હૉકી-કોચ, પાછું ખેંચ્યું રાજીનામું




પોતાના પદ પરથી રાજીનામું આપવાની નાટકીય ઘોષણાના એક દિવસ બાદ ભારતીય પુરુષ હૉકી-ટીમના કોચ ટેરી વૉલ્શે ગઈ કાલે ટોચના અધિકારીઓ સાથેની વાતચીત બાદ પોતાના પદ પર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઑસ્ટ્રેલિયન કોચને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમની તમામ ચિંતાઓનો ઉકેલ લાવવામાં આવશે, એટલું જ નહીં તેમની સાથે નવો કૉન્ટ્રૅક્ટ પણ કરવામાં આવશે. જેમાં તેમને વધુ સ્વાયત્તતા આપવામાં આવશે.

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તથા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા બાદ ૬૦ વર્ષના ટેરી વૉલ્શે રાજીનામું ન આપવાનો નિર્ણય લીધો છે. જેને કારણે દેશના હૉકીપ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ટેરી વૉલ્શના નિર્ણયની જાહેરાત સ્પોર્ટ્સ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલે ટ્વીટ કરીને કરી હતી.

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ઇંચિયોનમાં રમાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી હૉકી-ટીમના કૉચને કોઈ નાણાકીય પરેશાની નહોતી. તેમની મુખ્ય ચિંતા હૉકી સંબંધિત ટેક્નિકલ બાબતો પર નિર્ણય લેવાની સત્તા ઓછી હોવાથી મતભેદ હતો.