સચિનના બંગલાની સેન્ચુરી

30 December, 2011 05:37 AM IST  | 

સચિનના બંગલાની સેન્ચુરી



સચિન તેન્ડુલકર ઘણા મહિનાઓથી ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી નથી કરી શક્તો, પરંતુ બાંદરા (વેસ્ટ)ના પેરી ક્રૉસ રોડ પર આવેલા પાંચ માળના તેના નવા બંગલાના નામે અનોખી સદી જોવા મળી છે. તેણે આ બંગલાનો ૧૦૦ કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે. સચિનનો આ વીમો સૌથી મોટા વ્યક્તિગત વીમાઓમાં ગણાય છે. તેણે જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીઓના કન્સોર્ટિયમ પાસેથી આ વીમા કવચ મેળવ્યું છે. આ ચાર કંપનીઓમાં ઑરિયેન્ટલ ઇન્શ્યૉરન્સ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ, ન્યુ ઇન્ડિયા ઍશ્યોરન્સ અને નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપનીનો સમાવેશ છે.

સચિન ૧૦૦ કરોડ રૂપિયાના આ વીમા માટે દર વર્ષે ૪૦ લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરશે.

વીમા ક્ષેત્રની એક વ્યક્તિ પાસેથી મળેલી માહિતી મુજબ સચિને ૭૫ કરોડ રૂપિયાનો ફાયર ઇન્શ્યૉરન્સ તરીકે ઉતરાવ્યો છે અને બીજા ૨૫ કરોડ રૂપિયાનો વીમો ફર્નિચર, ઇલેકટ્રોનિક ગૅજેટ્સ તેમ જ ક્રિકેટને લગતી ચીજો માટેનો છે.

ફાયર ઇન્શ્યૉરન્સ આગ, આતંકવાદી હુમલો તેમ જ ધરતીકંપ જેવી કુદરતી આફત અને ચોરી-લૂંટફાટમાં થતા નુકસાન સામેનો છે.