ગુરુવારથી રોહિત ઇલેવન અને રવિવારે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીની કસોટી

22 June, 2022 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-ટીમની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ અગાઉ લેસ્ટરશર સામે પ્રૅક્ટિસ-મૅચ ઃ ટીમ ઇન્ડિયા આયરલૅન્ડ સામે રમશે શ્રેણીની પહેલી ટી૨૦

ગુરુવારથી રોહિત ઇલેવન અને રવિવારે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીની કસોટી

આવતી કાલે (ગુરુવારે) લેસ્ટરશરમાં રોહિત શર્માના સુકાનમાં ભારતની ટેસ્ટ-ટીમ લેસ્ટરશર સામે ચાર દિવસની પ્રૅક્ટિસ-મૅચ રમશે અને તેમનો એ મૅચનો છેલ્લો દિવસ હશે એ દિવસે ઍમ્સ્ટલવીનમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ યજમાન આયરલૅન્ડ સામે બે મૅચવાળી સિરીઝની પ્રથમ ટી૨૦ રમશે.
ટેસ્ટ-ટીમના ખેલાડીઓ થોડા દિવસ પહેલાં જ ઇંગ્લૅન્ડ પહોંચી ગયા અને હેડ-કોચ રાહુલ દ્રવિડ ગઈ કાલે ટીમ સાથે જોડાયો હતો. બેન સ્ટોક્સના સુકાનવાળી ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમ સામેની એકમાત્ર ટેસ્ટ પહેલી જુલાઈએ શરૂ થશે. આ ટેસ્ટ ગયા વર્ષે કોવિડ-19ની મહામારી વચ્ચે અધૂરી રહેલી સિરીઝની આખરી મૅચ છે. ભારત એ સિરીઝમાં ૨-૧થી આગળ છે. વિરાટ કોહલી તેમ જ જસપ્રીત બુમરાહ અને રિષભ પંત સહિતના મુખ્ય ખેલાડીઓ ટેસ્ટ-ટીમમાં સામેલ છે.
હાર્દિક પંડ્યાને પહેલી જ વખત ભારતનું નેતૃત્વ સંભાળવાનો મોકો મળ્યો છે. તેની કૅપ્ટન્સી હેઠળની ટી૨૦ ટીમમાં ભુવનેશ્વર વાઇસ-કૅપ્ટન છે.

સ્ટોક્સ બીમાર પડી ગયો
પહેલી જુલાઈથી બર્મિંગહૅમમાં ભારત સામેની એકમાત્ર ટેસ્ટ રમનાર ઇંગ્લૅન્ડની ટીમનો નવો ટેસ્ટ-સુકાની બેન સ્ટોક્સ બીમાર પડી ગયો છે જેને કારણે તે સોમવારે હેડિંગ્લીમાં પોતાની ટીમ સાથે પ્રૅક્ટિસ-સેશનમાં નહોતો જોડાયો. આવતી કાલે લીડ્સમાં ઇંગ્લૅન્ડની ન્યુ ઝીલૅન્ડ સામે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ રહી છે અને એ પહેલાં શનિવારે જ માંદો પડતાં બ્રિટિશ ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે. ગઈ કાલે તેનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવતાં ક્રિકેટ બોર્ડને આશા છે કે તે આવતી કાલની ટેસ્ટ-મૅચ પહેલાં ફુલ્લી ફિટ થઈ જશે.

મેં ૮ મહિનામાં ટીમ ઇન્ડિયાના ૬ કૅપ્ટન જોયા ઃ દ્રવિડ

રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકે બીજી ટૂર શરૂ કરી છે. આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ તે હવે ઇંગ્લૅન્ડની ટૂર પર ગયો છે, જ્યાં ભારતની એકમાત્ર ટેસ્ટ રમાશે. દ્રવિડે એક મુલાકાતમાં વ્યંગાત્મક વિધાનમાં કહ્યું છે કે ‘ત્રણ ફૉર્મેટની ટીમ મૅનેજ કરવી, ખેલાડીઓના વર્ક-લોડને લગતી સમસ્યાઓ દૂર કરવી અને કૅપ્ટન્સીમાંના ફેરફાર જેવી મોટી બાબતો મારા માટે પડકારરૂપ રહી છે. જોકે મને એમાં ખૂબ મજા પણ પડી છે. કેટલાક કાબેલ ખેલાડીઓને ટીમનું નેતૃત્વ સંભાળવાની તક મારા આ ટૂંકા સમયકાળ દરમ્યાન મળી છે. છેલ્લા ૮ મહિનાની વાત કરું તો એમાં મેં ટીમ ઇન્ડિયાના કુલ ૬ કૅપ્ટન જોયા. જોકે આ પણ એક અનોખો તબક્કો કહેવાય અને એમાં મને ઘણું શીખવા મળ્યું અને ખેલાડીઓ સાથે ઘણું એન્જૉય પણ કર્યું.’

 

cricket news sports news hardik pandya t20