08 August, 2026 01:22 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
માનવ સુથાર સાથે વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ. તેણે બે વિકેટ લીધી હતી.
કોલંબોમાં ગઈ કાલે લોકલ શ્રીલંકન ઇલેવન સામે શરૂ થયેલી ત્રણ દિવસની વૉર્મ-અપ મૅચમાં ટીમ ઇન્ડિયાને ભારે મહેનત કરવી પડી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર લોકલ શ્રીલંકન ઇલેવને ૯૦ ઓવરની રમતમાં ૩૬૩/૮નો સ્કોર કર્યો હતો. ૧૫ ઑગસ્ટથી સિનિયર શ્રીલંકા ટીમ સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમતાં પહેલાં ભારતીય ખેલાડીઓ પોતાને ત્યાંના માહોલમાં અનુકૂળ રહી રહ્યા છે.
શ્રીલંકન બૅટર્સને ભારતીય સ્પિનર્સે બરાબરની ટક્કર આપી હતી. યંગ સ્પિનર માનવ સુથારે ૧૩ ઓવરમાં ૩૩ રન આપીને બે વિકેટ લઈને સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને પણ ૨-૨ વિકેટ મળી હતી. પેસ બોલર્સમાંથી ગુરનૂર બરાડને એક વિકેટ મળી હતી.
ભારતના સાત બોલિંગ વિકલ્પોમાંથી ત્રણ બોલર્સ વિકેટલેસ રહ્યા હતા, જેમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને સ્પિનર સારાંશ જૈનનો સમાવેશ થાય છે.
ગઈ કાલે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની ૧૫ ઑગસ્ટથી શરૂ થતી બે
ટેસ્ટ-મૅચની સિરીઝમાં તમામ દિવસની રમતો દરમ્યાન સ્ટેડિયમમાં ક્રિકેટ-ફૅન્સને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘ક્રિકેટચાહકોને વિશ્વકક્ષાનું ટેસ્ટ-ક્રિકેટ ફ્રીમાં જોવાની શાનદાર તક છે. શ્રીલંકા ક્રિકેટ દેશભરના ક્રિકેટઉત્સાહીઓ, યુવા ઊભરતા ક્રિકેટરો, પરિવારો અને રમતપ્રેમીઓને આ પહેલનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપે છે.’
શ્રીલંકામાં ટેસ્ટ-ક્રિકેટમાં ઘણીવાર દર્શકોની સંખ્યા ઓછી હોય છે. ભૂતકાળમાં ભારતીય ટીમો પણ ખાલી સ્ટેડિયમ સામે રમી ચૂકી છે. એશિયામાં મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને બૅન્ગલોર જેવાં કેટલાંક પસંદગીનાં ભારતીય શહેરો સિવાયના વેન્યુ પર ટેસ્ટ-મૅચ દરમ્યાન દર્શકોની હાજરી ઓછી જોવા મળે છે.
ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ગઈ કાલે લોકલ શ્રીલંકા ઇલેવન સામે પ્રૅક્ટિસ-મૅચમાં રમી શક્યો નહોતો. શુભમન ગિલના સ્થાને ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન કે.એલ. રાહુલે જવાબદારી સંભાળી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે અપડેટ આપી હતી કે ‘શુભમન ગિલને ગુરુવારે પ્રૅક્ટિસ દરમ્યાન જમણા હાથની રિંગ ફિંગરમાં ઇન્જરી થઈ હતી અને સાવચેતીનાં પગલાં તરીકે તે મૅચના પહેલા દિવસે બહાર રહેશે. તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.’
પ્રૅક્ટિસ સેશનના વિડિયોમાં જોવા મળ્યું કે શુભમન ગિલ પહેલી વખત બૅટિંગ પ્રૅક્ટિસ દરમ્યાન અને બીજી વખત ફીલ્ડિંગ પ્રૅક્ટિસ દરમ્યાન ઇન્જર્ડ થયો હતો. શુભમન ગિલ છેલ્લાં બે વર્ષમાં સાતમી વખત ઇન્જરીનો ભોગ બન્યો છે. આ પહેલાં તેને ગરદનમાં જકડાઈ જવાની સમસ્યા, હૅમસ્ટ્રિંગની સમસ્યા અને પગમાં ઇન્જરી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિષ્નમાચારી શ્રીકાંતે ભારતના વર્તમાન મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે ચોંકાવનારી કમેન્ટ કરી છે. જસપ્રીત બુમરાહ હાલમાં ડાબા ઘૂંટણની ઇન્જરીને કારણે શ્રીલંકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
શ્રીકાંતે કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી છે જે ક્યારેક ક્યારેક ભારત માટે રમે છે. જસપ્રીત બુમરાહ ઘણી વાર મહત્ત્વપૂર્ણ સિરીઝ પહેલાં ઘાયલ થઈ જાય છે. જોકે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવા હંમેશાં ઉપલબ્ધ રહે છે.’