ભારતીય ક્રિકેટનાં પતન, પનોતી અને પડકારની પરંપરા

13 December, 2012 05:44 AM IST  | 

ભારતીય ક્રિકેટનાં પતન, પનોતી અને પડકારની પરંપરા



૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી ભારતીય ક્રિકેટે પતન જોવું પડી રહ્યું છે, ટીમના માથે આંતરિક કલહની પનોતી બેઠી છે અને એક પછી એક પડકાર આવી રહ્યા છે જેનો સામનો કરવામાં પ્લેયરો નિષ્ફળ જઈ રહ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ભારત જે છેલ્લી ૧૫ ટેસ્ટમૅચ રમ્યું છે એમાંથી નવ હાર્યું છે, પાંચ જીત્યું છે અને એક મૅચ ડ્રૉ થઈ છે. વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર અને સચિન તેન્ડુલકર સહિત ટીમના મોટા ભાગના પ્લેયરો સતત સારું પફોર્ર્મ કરવામાં નિષ્ફળ ગયા છે. ટીમના માથે મહિનાઓથી એવી પનોતી બેઠી છે કે ઊતરવાનું નામ જ નથી લેતી. ધોનીને ટેસ્ટના કૅપ્ટનપદેથી હટાવીને યુવાન સુકાનીની નિયુક્તિ કરીને ટીમને પ્રગતિના પંથે લઈ જવાનો અગાઉની સિલેક્શન કમિટીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રિકેટ બોર્ડ દ્વારા એ પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. થોડા મહિના અગાઉ ટીમ ઇન્ડિયામાં ધોની અને વીરેન્દર સેહવાગ વચ્ચે અણબનાવ હતો. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ૦-૪થી પરાજય થયા પછી સિલેક્ટરો ધોનીની જગ્યાએ વીરુને કૅપ્ટન બનાવવા માગતા હતા. પરંતુ કહેવાય છે કે બોર્ડે એવું નહોતું થવા દીધું.

હવે માહી-ગંભીર વચ્ચેનું ઘર્ષણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. અધૂરામાં પૂરું, આજે નાગપુરમાં શરૂ થયેલી ચોથી અને છેલ્લી ટેસ્ટમૅચ જીતીને સિરીઝને ૨-૨થી લેવલ કરવાનો પ્રચંડ પડકાર ટીમ ઇન્ડિયા સામે ઊભો છે.