મેલબર્નમાં ૩૩૨થી વધારે રનનો ટાર્ગેટ ભારત પાર કરે તો ૮૬ વર્ષનો રેકૉર્ડ તૂટે

30 December, 2014 06:06 AM IST  | 

મેલબર્નમાં ૩૩૨થી વધારે રનનો ટાર્ગેટ ભારત પાર કરે તો ૮૬ વર્ષનો રેકૉર્ડ તૂટે




મેલબર્નમાં રમાઈ રહેલી ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે અને હવે ભારતને આજે જો ૩૩૨ રન કરતાં વધારેનો ટાર્ગેટ મળે અને એ ચોથી ઇનિંગ્સ રમતાં પાર કરે તો ભારત ૮૬ વર્ષનો રેકૉર્ડ તોડશે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની લીડ ૩૨૬ રનની હતી અને આજે સવારે એ થોડો સમય રમીને દાવ ડિક્લેર કરે એવી શક્યતા છે. આ પછી ભારત માટે રન-ચેઝ શરૂ થશે, કારણ કે પહેલી બે ટેસ્ટ-મૅચમાં ભારત હાયુંર્ છે અને આ મૅચમાં જીત મેળવે તો સિરીઝને ઇક્વલ કરવાનો મોકો મળી શકે એમ છે.

ઑસ્ટ્રેલિયાએ બૉક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસના અંતે ગઈ કાલે મેલબર્નમાં પોતાની બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટે ૨૬૧ રન બનાવીને ૩૨૬ રનની લીડ મેળવી લીધી છે. ઑસ્ટ્રેલિયા તરફથી ક્રિસ રૉજર્સે ૬૯ રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે શૉન માર્શ ૬૨ રને રમી રહ્યો છે. ભારતીય બોલરોએ ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોને આઉટ કરતા રહીને મૅચ પર પકડ બનાવવાના પ્રયત્ન કર્યા છે. ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ અને આર. અશ્વિને બે-બે વિકેટો લીધી હતી, જ્યારે મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.

ઑસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધીમાં ૭ વિકેટો ગુમાવી છે, જેમાં ઓપનર ડેવિડ વૉર્નર (૪૦), શેન વૉટ્સન (૧૭), કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૧૪), ક્રિસ રૉજર્સ (૬૯), જૉ બન્ર્સ (૯), બ્રેડ હૅડિન (૧૩) અને મિશેલ જૉન્સન (૧૫)નો સમાવેશ થાય છે. ડેવિડ વૉર્નરે ૪૨ બૉલમાં ઝડપી ૪૦ રન બનાવ્યા હતા, જેમાં ૬ ચોગ્ગા સામેલ છે.

મેલબર્ન ક્રિકેટ મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ-મૅચમાં ભારતની પહેલી ઇનિંગ્સ ૪૬૫ રન પર સમેટાઈ ગયા બાદ ઑસ્ટ્રેલિયાએ ૬૫ રનની લીડ હાંસલ કરી હતી.

ભારતે ચોથા દિવસે માત્ર ૩ રન જોડીને બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસની રમત પૂરી થવા પર ભારતે ૮ વિકેટે ૪૬૨ રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી ૯ રન પર નૉટઆઉટ રહ્યો હતો. વિરાટ કોહલી (૧૬૯)ની વિકેટ પડવા સાથે ત્રીજા દિવસની રમત પૂરી કરવામાં આવી હતી. ચોથા દિવસની રમતમાં ગઈ કાલે મિશેલ જૉનસને ૪૬૨ રનના સ્કોર પર જ ઉમેશ યાદવને શૂન્ય રન પર આઉટ કર્યો હતો અને ત્યાર બાદ ૪૬૫ રનના સ્કોર પર શમી (૧૨)ને આઉટ કર્યો. આમ ભારતીય ઇનિંગ્સ ૧૨૮.૫ ઓવરમાં સમેટાઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયા તરફથી જૉન્સને ૩, રેયૉન હેરિસે ૪ અને નૅથન લાયને બે વિકેટ લીધી હતી.

ચાર મૅચની આ સિરીઝમાં ભારત ૦-૨થી પાછળ છે. મેલબર્નમાં તેને ૧૯૮૧ બાદ કોઈ જીત હાંસલ થઈ નથી. ૨૦૦૭માં આ મેદાન પર ભારતે ચોથી ઇનિંગ્સમાં ૧૬૧ રન બનાવ્યા હતા અને ૨૦૧૧માં ૧૬૯ રન બનાવ્યા હતા. આમ આ બે મૅચોમાં ભારત હારી ગયું હતું. આ મેદાન પર ૩૩૨ રનનો સૌથી સફળ રન ચેઝ ૧૯૨૮માં થયો હતો, જ્યારે ઇંગ્લૅન્ડે સાત વિકેટે ૩૩૨ રન બનાવીને ઑસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું. ભારત એની બૅટિંગના જોરે જો આવી કરામત દેખાડે તો એક નવો રેકૉર્ડ બનશે એમાં શંકા નથી.

મેલબર્નમાં ગઈ કાલે ખરાબ વેધરના કારણે લંચ પછી મૅચ થોડી મોડી શરૂ થઈ હતી. લંચ-બ્રેક વખતે ભારે પવન ફૂંકાયો હતો અને પછી છાંટા પડ્યા હતા.

કોહલીને અગ્રેસિવ થવા દો

ઑસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વૉર્નરે કહ્યું હતું કે જો વિરાટ કોહલીને અગ્રેસિવ રમત રમવી હોય તો એને છૂટ છે. જોકે કોઈ લાઇન ક્રોસ કરશે તો એના માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ ર્બોડ છે.

કોહલી-જૉન્સનની તૂતૂમૈંમૈં જારી


ગઈ કાલે મૅચની ૬૮મી ઓવરમાં મોહમ્મદ શમીની બોલિંગમાં મિચલ જૉન્સન આઉટ થઈને જતો હતો ત્યારે તેની અને કોહલીની વચ્ચે થોડી રકઝક થઈ હતી. જોકે એમના વચ્ચે શું વાત થઈ એ ખબર પડી નહોતી. જોકે જૉન્સને અમ્પાયર સાથે વાત કરી હતી.