ટેઇલ સામે ટીમ ઇન્ડિયા ફરી ફેલ

28 December, 2014 05:40 AM IST  | 

ટેઇલ સામે ટીમ ઇન્ડિયા ફરી ફેલ





મેલબર્ન : ત્રીજી ટેસ્ટમાં પહેલા દિવસે ભારતીય બોલરોએ બતાવેલો ચમકારો જોકે ગઈ કાલે બીજા દિવસે જરાય નહોતો જોવા મળ્યો. પરંપરા પ્રમાણે ટૉપના બૅટ્સમેનોને આસાનીથી આઉટ કર્યા બાદ નીચલા ક્રમના અને પૂંછડિયા બૅટ્સમેનો સામે ટીમ ઇન્ડિયાના બોલરો ફરી લાચાર સાબિત થયા હતા. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથે તેનું સૉલિડ ફૉર્મ (૧૯૨) જાળવી રાખીને બ્રૅડ હૅડિન (૫૫), રાયન હૅરિસ (૭૪) અને મિચલ જૉન્સન (૨૮)ના ઉપયોગી સાથ વડે ટીમનો સ્કોર ૫૩૦ સુધી પહોંચાડી દીધો હતો. ભારત વતી મોહમ્મદ શમીએ કરીઅરની બેસ્ટ ૧૩૮ રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને ૩-૩ વિકેટ લીધી હતી. ઇશાન્ત શર્મા કોઈ વિકેટ નહોતો લઈ શક્યો.

જવાબમાં ભારતે સારી શરૂઆત બાદ શિખર ધવન (૨૮)ની વિકેટ ગુમાવીને દિવસના અંતે ૧૦૮ રન બનાવી લીધા હતા. મુરલી વિજયે ફૉર્મ જાળવી રાખતાં ૫૫ તથા ચેતેશ્વર પુજારા ૨૮ રન સાથે અણનમ રહ્યા હતા. ટીમ ઇન્ડિયા હજી ઑસ્ટ્રેલિયાના સ્કોર કરતાં ૪૨૨ રન પાછળ છે અને ફૉલોઑન બચાવવા એને ૨૨૩ રનની જરૂર છે.

સ્થિમનો કોઈ તોડ નથી

પહેલી ટેસ્ટમાં ૧૬૨, બીજીમાં ૧૩૩ અને ગઈ કાલે ૧૯૨ રન સાથે સતત ત્રીજી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારીને સ્ટીવ સ્મિથ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે. ભારતીય બોલરોને હજુ સુધી સ્મિથને રોકવાનો કોઈ તોડ નથી મળી રહ્યો. સ્મિથે આ સિરીઝમાં એકલે હાથે ઑસ્ટ્રેલિયાને સ્ટ્રોન્ગ પોઝિશનમાં લઈ ગયો છે. સ્મિથે ગઈ કાલે ૧૯૨ રનની કરીઅર બેસ્ટ ઇનિંગ્સ સાથે ટેસ્ટ કરીઅરની સાતમી સેન્ચુરી ફટકારી હતી. ભારત સામે આ તેમની સતત ત્રીજી મૅચમાં ત્રીજી સેન્ચુરી હતી. સ્મિથ આખરે છેલ્લી વિકેટના રૂપમાં ઉમેશ યાદવના બૉલમાં બોલ્ડ થઈ ગયો હતો અને કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી ફક્ત ૮ રન માટે ચૂકી ગયો હતો.

હૅરિસનો હાહાકાર

સ્મિથનું ટેન્શન ઓછું હોય ત્યાં નવમા નંબરે બૅટિંગમાં આવેલા રાયન હૅરિસે પણ ગઈ કાલે ૮ ફોર અને એક સિક્સર સાથે ૮૮ બૉલમાં કરીઅર બેસ્ટ ૭૪ રન ફટકારી ભારતની હાલત વધારે કફોડી કરી નાખી હતી. હૅરિસની ટેસ્ટ કરીઅરની આ બીજી હાફ સેન્ચુરી હતી.

ધવન ફ્લૉપ, વિજય અડગ

૫૩૦ રનના ઢગલા બાદ ટીમ ઇન્ડિયાએ ૧૪મી ઓવરમાં ૫૦ રન ફટકારીને સારી શરૂઆત કરી હતી, પણ શિખર ધવન ૨૮ રન બનાવીને હૅરિસના બૉલમાં સ્લિપમાં કૅપ્ટન સ્મિથને કૅચ આપી બેઠો હતો. ધવન પાંચમી ઇનિંગ્સમાં ચોથી વાર ૩૦ રનનો સ્કોર પાર કરવાનમાં નિષ્ફળ રહ્યો છે, પણ સામે છેડે મુરલી વિજય ફરી ઑસ્ટ્રેલિયન અટૅક સામે અડિખમ ઊભો રહ્યો હતો અને અણનમ ૫૫ રન બનાવ્યા હતા. આ સાથે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ-સિરીઝમાં ચાર હાફ-સેન્ચુરી ફટકારનાર વિજય પહેલો ભારતીય ઓપનર બની ગયો હતો.

ધોનીએ રચ્યો સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકૉર્ડ

કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સ્ટમ્પિંગનો નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો હતો. મિચલ જૉન્સનને રવિચંદ્રન અશ્વિનના બૉલમાં સ્ટમ્પ-આઉટ કરીને ધોનીએ શ્રીલંકાના કુમાર સંગકારા સાથેના સંયુક્ત રેકૉર્ડમાં સુધારો કરીને ૧૩૪ સ્ટમ્પિંગનો નવો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. ધોનીની ૪૬૦ ઇનિંગ્સમાં ૧૩૪ સ્ટમ્પિંગમાં ટેસ્ટમાં ૩૮, વન-ડેમાં ૮૫ અને T20માં ૧૧ સ્ટમ્પિંગનો સમાવેશ છે. 

બીજા નંબરે રહેલા સંગકારાની ૪૮૫ ઇનિંગ્સમાં ૧૩૩ સ્ટમ્પિંગ છે તો ત્રીજા નંબરે ૧૦૧ સ્ટમ્પિંગ સાથે શ્રીલંકાનો જ ભૂતપૂર્વ વિકેટકીપર રોમેશ કાલુવિથરાના છે.

પહેલી બન્ને ટેસ્ટમાં સદી ફટકારનાર કૅપ્ટન સ્મિથ પાંચમો

કૅપ્ટન તરીકેની પહેલી બન્ને ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર સ્ટીવ સ્મિથ પહેલો ઑસ્ટ્રેલિયન અને વર્લ્ડનો પાંચમો કૅપ્ટન બની ગયો હતો. આ પહેલાં સાઉથ આફ્રિકાનો જૅકી મૅકગ્લે, ભારતના વિજય હઝારે, સુનિલ ગાવસકર અને ઇંગ્લૅન્ડનો ઍલેસ્ટર કુક આવી કમાલ કરી ચૂક્યા છે.