જૉન્સનનો સામનો કરવા તૈયાર છે ટીમ ઇન્ડિયા

24 November, 2014 06:14 AM IST  | 

જૉન્સનનો સામનો કરવા તૈયાર છે ટીમ ઇન્ડિયા



ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાના સ્ટૅન્ડ ઇન કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમારી ટીમ સકારાત્મક વિચાર સાથે આવી છે અને ફાસ્ટ બોલર મિચેલ જૉન્સનનો સામનો કરવા પૂરી રીતે તૈયાર છે. વિરાટ કોહલીએ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઇલેવન સામેની બે દિવસની પ્રૅક્ટિસ મૅચ પહેલાં કહ્યું હતું કે મને લાગે છે કે ઑસ્ટ્રેલિયામાં રમતાં પહેલાં પરિસ્થિતિ સાથે અનુકૂળ થતાં પહેલાં માનસિક રીતે તૈયાર થવું વધુ જરૂરી છે. પેસ તથા બાઉન્સને તમે સમજી શકો છો, પરંતુ માનસિક રીતે તૈયાર ન હો તો કોઈ પણ પ્રકારની તૈયારી બેકાર છે.’

ટીમ ઇન્ડિયાના પોસ્ટર-બૉય કોહલીએ કહ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયા જૉન્સનનો સામનો કરવા પૂરેપૂરી રીતે સક્ષમ છે. જૉન્સન ઘણી સારી બોલિંગ કરી રહ્યો છે, પંરતુ અમે ફાસ્ટ તથા બાઉન્સવાળી પિચો પર તેની સામે રમવા તૈયાર છીએ. અમે સારું ન રમી શકીએ એવું કોઈ કારણ નથી. આ એક માનસિક બાબત છે. તમે મૅચની પરિસ્થિતિ મુજબ તૈયારી કરો તો સારું પ્રદર્શન કરી શકો છો. અમારા ખેલાડીઓ એમ કરવા સક્ષમ છે. ખેલાડીઓ જ્યાં સુધી મારી સાથે છે અને પરિસ્થિતિ પ્રમાણે તેઓ પ્રદર્શન કરે તો કૅપ્ટન તરીકે હું સફળ રહીશ.’