તાહિરને ૨૬૦ રનમાં વિકેટ ન મળી : ૫૪ વર્ષનો રેકૉર્ડ પાર કર્યો

26 November, 2012 06:22 AM IST  | 

તાહિરને ૨૬૦ રનમાં વિકેટ ન મળી : ૫૪ વર્ષનો રેકૉર્ડ પાર કર્યો



૩૩ વર્ષના તાહિરને ઑસ્ટ્રેલિયા સામેની ઍડીલેડટેસ્ટના બન્ને દાવ મળીને કુલ ૨૬૦ રનમાં એક પણ વિકેટ નહોતી મળી. ટેસ્ટમાં એકેય વિકેટ ન લઈ શક્યા હોય એવા બોલરોની બોલિંગમાં બનેલા રનવાળા લિસ્ટમાં ગઈ કાલ સુધી પાકિસ્તાનના ભૂતપૂર્વ પેસબોલર ખાન મોહમ્મદ મોખરે હતા. ૧૯૫૮માં કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં તેમને કુલ ૨૫૯ રનમાં એકેય વિકેટ નહોતી મળી. જોકે તાહિરની બોલિંગમાં ૨૬૦મો રન થતાં મોહમ્મદનો ૫૪ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો હતો.

તાહિરને આ મૅચમાં નસીબે જરા પણ સાથ નહોતો આપ્યો. ઍડીલેડની ટેસ્ટના પ્રથમ દાવમાં તેને ૧૮૦ રનમાં અને બીજા દાવમાં ૮૦ રનમાં વિકેટ નહોતી મળી. તાહિરે ગઈ કાલે જે ઓવરમાં ખાન મોહમ્મદનો શરમજનક રેકૉર્ડ તોડ્યો એ ઓવરને અંતે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે બીજો દાવ ડિક્લેર કયોર્ હતો. જો આ ઓવર પહેલાં દાવ સમાપ્ત જાહેર થઈ ગયો હોત તો આ વિક્રમ તાહિરના નામે ન ચડ્યો હોત.

તાહિરે ૧૧ ટેસ્ટમાં માંડ ૨૬ અને પાંચ વન-ડેમાં ૧૪ વિકેટ લીધી છે.

૨૬ ટીમ વતી રમ્યો

ઇમરાન તાહિર ૧૬ વર્ષની ફસ્ર્ટ-ક્લાસ કરીઅરમાં સાઉથ આફ્રિકાની ટીમ તેમ જ ઇંગ્લૅન્ડની તથા પાકિસ્તાનની ડોમેસ્ટિક ટીમો સહિત કુલ મળીને ૨૬ ટીમ વતી રમી ચૂક્યો છે