01 March, 2026 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પલેકેલેમાં સેમી-ફાઇનલમાં એન્ટ્રી ન મળતાં પાકિસ્તાન અને ટાર્ગેટની નજીક પહોંચીને હારતાં શ્રીલંકાના પ્લેયર્સ નિરાશ થઈને મેદાન છોડતા જોવા મળ્યા હતા.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સેમી-ફાઇનલની રેસમાંથી પાકિસ્તાન બહાર થઈ ગયું છે. પાકિસ્તાને ૮ વિકેટ ગુમાવીને ૨૧૨ રન કર્યા હતા. જોકે એ એનો ટુર્નામેન્ટનો હાઇએસ્ટ સ્કોર હતો. સેમી-ફાઇનલમાં એન્ટ્રી માટે પાકિસ્તાને શ્રીલંકાને ૧૪૭ રન કે એથી ઓછા સ્કોરમાં રોકવાનું હતું જેથી તેઓ ન્યુ ઝીલૅન્ડ સામે પૉઇન્ટ-ટેબલમાં બરોબરી કરીને નેટ રનરેટ સુધારી શક્યા હોત. જોકે શ્રીલંકાએ જવાબમાં ૬ વિકેટે ૨૦૭ રન કર્યા હતા.
ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ૨૦મી ઓવર દરમ્યાન શ્રીલંકન કૅપ્ટન દાસુન શનાકાએ ૪, ૬, ૬, ૬ રન ફટકારીને જીતની આશા જીવંત રાખી હતી, પણ અંતિમ બે બૉલ ડૉટ જતાં શ્રીલંકા પાંચ રને મૅચ હાર્યું હતું.
પાકિસ્તાનના ઓપનર્સ ફખર ઝમાને સાહિબઝાદા ફરહાન સાથે ૧૭૬ રનની ભાગીદારી કરી હતી જે T20 વર્લ્ડ કપના ઇતિહાસની કોઈ પણ વિકેટની મોટી પાર્ટનરશિપ હતી. સાહિબઝાદા ફરહાને ૧૬૬.૬૭ના સ્ટ્રાઇક-રેટથી ૯ ફોર અને પાંચ સિક્સર ફટકારીને ૬૦ બૉલમાં ૧૦૦ રન કર્યા હતા. ફખર ઝમાને ૨૦૦ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને ૯ ફોર અને ૪ સિક્સના આધારે ૪૨ બૉલમાં ૮૪ રન કર્યા હતા.
કરો યા મરો મૅચમાં પાકિસ્તાનનો બાબર આઝમ ડ્રૉપ થયો
પાકિસ્તાનનો સ્ટાર બૅટર બાબર આઝમ હાલમાં ૧૪૫ મૅચમાં ૪૫૯૬ રન સાથે T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ રન-સ્કોરર છે. જોકે ગઈ કાલે પાકિસ્તાનના ટીમ-મૅનેજમેન્ટે શ્રીલંકા સામે કરો યા મરો મૅચમાં બાબર આઝમને ડ્રૉપ કર્યો હતો. બાબરે ટુર્નામેન્ટમાં ૨૨.૭૫ની ઍવરેજ અને ૧૧૨.૩૪ના સ્ટ્રાઇક રેટથી ૯૧ રન બનાવ્યા છે.
પાકિસ્તાને ૧૮થી ૨૦ ઓવર દરમ્યાન ૧૨ રનની અંદર ૬ વિકેટ ગુમાવતાં મોટો સ્કોર કરવાની તક ગુમાવી દીધી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશન્કાએ સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
રન-ચેઝ દરમ્યાન પવન રત્નાયકેએ ૩૭ બૉલમાં ૪ ફોર અને ત્રણ સિક્સરના આધારે ૫૮ રન કર્યા હતા. સાતમા ક્રમે રમવા આવેલા કૅપ્ટન દાસુન શનાકાએ ૩૧ બૉલમાં બે ફોર અને ૮ સિક્સરની મદદથી ૨૪૫.૧૬ના સ્ટ્રાઇક રેટથી અણનમ ૭૬ રન કર્યા હતા. પાકિસ્તાન માટે સ્પિનર અબ્રાર અહમદે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
સેમી-ફાઇનલ વન અને ફાઇનલ મૅચ ભારતમાં રમાશે
જો પાકિસ્તાન ટૉપ ફોરમાં સામેલ થયું હોત તો સેમી-ફાઇનલ મૅચ શ્રીલંકાના કોલંબોમાં રમાઈ હોત અને એમાં પણ જીતી હોત તો કોલંબો જ ફાઇનલનું યજમાન બન્યું હોત. જોકે વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન બહાર થતાં સેમી-ફાઇનલ વનની મૅચ ૪ માર્ચે કલકત્તામાં અને ફાઇનલ મૅચ ૮ માર્ચે અમદાવાદમાં રમાશે. સેમી-ફાઇનલ ટૂ મૅચ પાંચમી માર્ચે પહેલાંથી જ મુંબઈમાં રમાવાની છે.
18: T20 વર્લ્ડ કપની એક સીઝનમાં આટલી હાઇએસ્ટ સિક્સનો રેકૉર્ડ પણ કર્યો સાહિબઝાદા ફરહાને.
|
સુપર 8 ગ્રુપ ટૂનું પૉઇન્ટ ટેબલ |
|
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
ઇંગ્લૅન્ડ |
૩ |
૩ |
૦ |
૦ |
૬ |
+૧.૦૯૬ |
|
ન્યુ ઝીલૅન્ડ |
૩ |
૧ |
૧ |
૧ |
૩ |
+૧.૩૯૦ |
|
પાકિસ્તાન |
૩ |
૧ |
૧ |
૧ |
૩ |
-૦.૧૨૩ |
|
શ્રીલંકા |
૩ |
૦ |
૩ |
૦ |
૦ |
-૧.૯૫૦ |
ગઈ કાલે શ્રીલંકા સામે સદી ફટકારીને પાકિસ્તાનનો ઓપનર સાહિબઝાદા ફરહાન વર્તમાન T20 વર્લ્ડ કપનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો હતો. તેણે ૬ મૅચમાં ૧૬૦.૨૫ના સ્ટ્રાઇક-રેટથી ૩૮૩ રન કર્યા હતા. T20 વર્લ્ડ કપની એક સીઝનમાં હાઇએસ્ટ રન કરવા મામલે તેણે વિરાટ કોહલીનો ૧૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૧૪માં વિરાટ કોહલીએ ૭ મૅચમાં ૩૧૯ રન ફટકાર્યા હતા. નામિબિયા બાદ શ્રીલંકા સામે ૧૦૦ રનનો આંકડો પાર કરીને ૨૯ વર્ષનો સાહિબઝાદા ફરહાન એક T20 વર્લ્ડ કપ સીઝનમાં બે સદી ફટકારનાર પહેલો બૅટર બન્યો હતો. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં હાઇએસ્ટ બે સદી ફટકારવા મામલે તેણે કૅરિબિયન બૅટર ક્રિસ ગેઇલની બરાબરી કરી હતી. T20 વર્લ્ડ કપની એક સીઝનમાં હાઇએસ્ટ ૪ વખત ૫૦+ રનની ઇનિંગ્સ રમવા મામલે તેણે ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ હેડન (૨૦૦૭), ભારતના વિરાટ કોહલી (૨૦૧૪ અને ૨૦૨૨) અને બાબર આઝમ (૨૦૨૧)ની બરાબરી કરી હતી.