30 January, 2026 10:35 AM IST | Reykjavík | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાન જો T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરે તો રૅન્કિંગના આધારે યુગાન્ડાને ટુર્નામેન્ટમાં રમવાની તક મળશે. આ માહિતી જાણતા હોવા છતાં આઇસલૅન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને બેઆબરૂ કરવાની તક ઝડપી લીધી છે. રમૂજી સોશ્યલ મીડિયા પોસ્ટ શૅર કરવા માટે જાણીતા આઇસલૅન્ડ ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC)ને ખુલ્લો વ્યંગાત્મક લેટર લખ્યો હતો. આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવાના નિર્ણયમાં વિલંબ કરવા બદલ પાકિસ્તાનને ટ્રોલ કર્યું હતું.
લેટરમાં લખવામાં આવ્યું હતું કે ‘ભારે હૃદયે અમારે જાહેરાત કરવી પડી રહી છે કે આગામી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું સ્થાન લેવા માટે અમે ઉપલબ્ધ નથી. ભલે તેઓ હમણાં ખસી જાય કે ન જાય, ટૂંકી સમયમર્યાદાને કારણે આ વૈશ્વિક ક્રિકેટ ઇવેન્ટમાં અસરકારક રીતે સ્પર્ધા કરવા માટે જરૂરી વ્યાવસાયિક રીતે તૈયારી કરવી અમારી ટીમ માટે અશક્ય છે. અમે સ્કૉટલૅન્ડ જેવા નથી જે કિટ-સ્પૉન્સર વિના પોતાની મરજીથી ભાગ લઈ શકે છે. અમારા ખેલાડીઓ પાર્ટટાઇમ ક્રિકેટર્સ છે.’