13 June, 2026 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ARCS અંધેરી ટીમના સાથી-ખેલાડીઓ સાથે ઑલરાઉન્ડર શિવમ દુબે.
વાનખેડે સ્ટેડિયમમાં ૧ જૂનથી શરૂ થયેલી રોમાંચક T20 મુંબઈ લીગની વર્તમાન સીઝનનો આજે અંતિમ દિવસ છે. વિમેન્સ T20 મુંબઈ લીગની પહેલી સીઝન અને મેન્સ T20 મુંબઈ લીગની ચોથી સીઝનની ફાઇનલ મૅચ આજે એક જ દિવસે રમાશે. વિમેન્સ ફાઇનલ બપોરે ૧ વાગ્યાથી અને મેન્સ ફાઇનલ સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે.
ભારતીય ક્રિકેટર સાયલી સાતઘરેની સોબો મુંબઈ ફાલ્કન્સ ૪માંથી માત્ર એક મૅચ હારીને ફાઇનલ સુધી પહોંચી છે, જ્યારે હુમૈરા કાઝીની ટીમ આકાશ ટાઇગર્સે થાણે સુપર સ્ટ્રાઇકર્સ સામેની અંતિમ મૅચ જીતીને સારા રન-રેટ સાથે અંતિમ જંગમાં એન્ટ્રી કરી હતી. ફાસ્ટ બોલર સાયલી સાતઘરે ૯ વિકેટ સાથે પર્પલ કૅપ હોલ્ડર છે, જ્યારે આકાશ ટાઇગર્સની અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન બૅટર સાનિકા ચાળકે ૨૦૫ રન સાથે ઑરેન્જ કૅપ હોલ્ડર છે.
મેન્સ લીગની બન્ને ટીમ મરાઠા રૉયલ્સ અને ARCS અંધેરીને લીગ સ્ટેજની પાંચમાંથી ત્રણ મૅચમાં જીત અને બેમાં હાર મળી હતી. ARCS અંધેરી ટીમનો બોલર અજય મિશ્રા અને મરાઠા રૉયલ્સનો તુષાર દેશપાંડે ૧૦-૧૦ વિકેટ સાથે હાલમાં પર્પલ કૅપની રેસમાં સૌથી આગળ છે. ARCS અંધેરી ટીમનો ઓપનર દિવ્યાંશ સક્સેના (૨૧૦ રન) આજે ૪૦થી વધુ રન કરીને બાંદરા બ્લાસ્ટરના સુવેદ પારકર (૨૫૦ રન) પાસેથી ઑરેન્જ કૅપ છીનવી શકે છે.