25 January, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિફ્ટી બાદ પિચને અને મૅચ પછી થ્રો-ડાઉન સ્પેશ્યલિસ્ટ રઘુને પગે લાગ્યો સૂર્યા
ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી T20 મૅચ દરમ્યાન ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૭ બૉલમાં ૯ ફોર અને ૪ સિક્સની મદદથી ૮૨ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. ૨૨૧.૬૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને કૅપ્ટન સૂર્યાએ T20 ઇન્ટરનૅશનલમાં ૪૬૮ દિવસ અને ૨૩ ઇનિંગ્સ બાદ ૫૦ કે એથી વધુનો સ્કોર કર્યો છે. છેલ્લે તેણે ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશ સામે ફિફ્ટી ફટકારી હતી.
ભારત તરફથી T20 ઇન્ટરનૅશનલમાં ટૉપ ફોર બૅટર્સમાંથી સૌથી વધુ ૩૪ ઇનિંગ્સ સુધી ફિફ્ટી પ્લસનો સ્કોર ન ફટકારવાનો રેકૉર્ડ રિષભ પંતના નામે છે. આ લિસ્ટમાં બીજા ક્રમે સૂર્યકુમાર યાદવનું નામે સામેલ થયું છે. સૂર્યકુમાર યાદવ હાલમાં ભારત તરફથી ૧૦૦ T20 મૅચ રમવા મામલે રોહિત શર્મા (૧૫૯ મૅચ), હાર્દિક પંડ્યા (૧૨૬ મૅચ) અને વિરાટ કોહલી (૧૨૫ મૅચ) બાદ ચોથો ખેલાડી બન્યો હતો.
બે-ત્રણ અઠવાડિયાંના બ્રેક, સોશ્યલ મીડિયાથી અંતર, ઘણી નેટ-પ્રૅક્ટિસ અને મારા ઘરની કોચ એટલે કે વાઇફને કારણે હું કમબૅક કરી શક્યો.
T20 ફૉર્મેટમાં ફિફ્ટીનો દુકાળ સમાપ્ત કરી શાનદાર કમબૅક કરનાર કૅપ્ટન સૂર્યાની બે હરકતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફિફ્ટી ફટકાર્યા બાદ તે રાયપુરની પિચને પગે લાગ્યો હતો. ભારતનો ૨૦૯ રનનો સંયુક્ત હાઇએસ્ટ T20 ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ૩૫ વર્ષનો સૂર્યા ભારતના કોચિંગ સ્ટાફમાં લાંબા સમયથી થ્રો-ડાઉન સ્પેશ્યલિસ્ટ તરીકે કામ કરતા રઘુને પણ પગે લાગ્યો હતો.