વાનખેડેમાં સરૈયાની ૩૭ વર્ષની સફર

24 November, 2011 10:24 AM IST  | 

વાનખેડેમાં સરૈયાની ૩૭ વર્ષની સફર



 

(સંજીબ ગુહા)

મુંબઈ, તા. ૨૪

૧૯૭૪ની સાલમાં વાનખેડે સ્ટેડિયમમાં પહેલી વાર ટેસ્ટમૅચ રમાઈ હતી ત્યારે એક તરફ ભારતીય ટીમ ક્લાઈવ લૉઇડની ટીમ સામે બાથ ભીડી રહી હતી ત્યારે કૉમેન્ટરી બૉક્સમાં ખ્યાતનામ કૉમેન્ટેટરો ટોની કૉઝિયર, ડિકી રત્નાગરની સાથે ભારતના શ્રેષ્ઠ ઇંગ્લિશ કૉમેન્ટેટરોમાં ગણાતા અને ૪૦ કરતાં વધુ વષોર્થી ગુજરાતીઓનું ગૌરવ ગણાતા સુરેશ સરૈયા પણ કૉમેન્ટરી બૉક્સમાં બેઠા હતા. તેમની સાથે વિજય મર્ચન્ટ એક્સપર્ટ કૉમેન્ટેટર તરીકે હતા.

એ મૅચને ૩૭ વર્ષ થઈ ગયા છે અને વાનખેડેમાં એ બધામાંથી માત્ર સરૈયા હજી એ જ રોલમાં જવા મળી રહ્યા છે. ઑલ ઇન્ડિયા રેડિયો પર તેઓ ભારત-વેસ્ટ ઇન્ડીઝની છેલ્લી ટેસ્ટમૅચ માટેની કૉમેન્ટરી આપી રહ્યા છે અને સ્ટૅટિસ્ટિશ્યન સુધીર વૈદ્ય તથા સ્કોરર યશવંત ચાડ હજી પણ સરૈયાની સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે.

મર્ચન્ટનું ૧૯૮૭માં અવસાન થયું હતું. કૉઝિયર વેસ્ટ ઇન્ડીઝમાં રહે છે. રત્નાગર બીમાર હોવાથી હવે કૉમેન્ટરી નથી આપતા અને ઇંગ્લૅન્ડમાં રહે છે.

વાનખેડેના ભવ્ય ઇતિહાસના સાક્ષી સરૈયાના મતે આ સ્ટેડિયમમાં ૧૯૭૦ના દાયકાની તુલનામાં ત્રણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેમણે ગઈ કાલે ‘મિડ-ડે’ને આ વિશે કહ્યું હતું કે ‘અગાઉ કૉમેન્ટરી બૉક્સ સધર્ન એન્ડમાં હતું અને હવે એની એકદમ સામેની બાજુએ છે. ટેલિવિઝનના પ્રભુત્વને કારણે રેડિયો કૉમેન્ટરીને ઘણી વિપરીત અસર થઈ છે. ત્રીજી વાત એ છે કે અગાઉ સ્ટેડિયમમાં બેસવા માટે ખાલી સીટ શોધવી પડતી હતી, પરંતુ અત્યારે હાલત એવી છે કે જો કોઈ પ્રેક્ષકને પૈસા ઑફર કરવામાં આવે તો સ્ટેડિયમમાં ન આવવા તૈયાર થઈ જાય અને ઘરે બેસીને ટીવી પર જ મૅચ જોઈ લે.’

સનીની ટાઇ

સુનીલ ગાવસકરે એક દાયકા પહેલાં ભેટમાં આપેલી ટાઇ સુરેશ સરૈયા હજી પણ ખાસ પ્રસંગે પહેરે છે