IPL કૌભાંડમાં મય્યપ્પનની ભૂમિકા ભેદી કારોબારી જેવી : સુપ્રીમ કોર્ટ

26 November, 2014 06:09 AM IST  | 

IPL કૌભાંડમાં મય્યપ્પનની ભૂમિકા ભેદી કારોબારી જેવી : સુપ્રીમ કોર્ટ




IPL સ્પૉટ-ફિક્સિંગ મામલે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ફરીથી સુનાવણી થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે IPLમાં બેટિંગ તથા સ્પૉટ-ફિક્સિંગ મામલે એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મય્યપ્પનની ભૂમિકા કોઈ ભેદી કારોબારી જેવી જણાઈ છે. કોર્ટ મુદગલ સમિતિના રિપોર્ટમાં જે ખેલાડીઓનાં નામ છે એ જાહેર કરવા માટે પણ તૈયાર થઈ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસે કહ્યું હતું કે ‘મય્યપ્પન માહિતી લીક કરી રહ્યો હતો અને અન્ય કોઈ તેના આધારે બેટિંગ કરી રહ્યો હતો. આને તો ભેદી કારોબાર જ કહી શકાય.’

 આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી હતી જ્યારે એવી દલીલ કરવામાં આવી હતી કે એન. શ્રીનિવાસનનો જમાઈ ચેન્નઈ સુપર કિંગ્સનો એક ભાગ હતો અને એના દરેક કાર્યક્રમોમાં હંમેશાં ટીમ સાથે રહેતો હતો. તે એક ઉત્સાહી ખેલપ્રેમી હતો એવી દલીલ આ કૌભાંડમાં તેના પર તથા IPLની ફ્રૅન્ચાઇઝીને બચાવવાના ભાગરૂપે કરવામાં આવી રહી છે.

શ્રીનિવાસનને ક્રિકેટ બોર્ડમાંથી દૂર રાખવાની માગણી

IPL સ્પૉટ-ફિક્સિંગ કેસની ગઈ કાલે થયેલી સુનાવણી દરમ્યાન અરજી કરનાર આદિત્ય વર્માના વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે એન. શ્રીનિવાસનને બેથી પાંચ વર્ષ સુધી ક્રિકેટ બોર્ડથી અલગ રાખવામાં આવે. એટલું જ નહીં, મુદગલ સમિતિના રિપોર્ટને સાર્વજનિક કરવાની માગણી પણ કરવામાં આવી છે. વળી રિપોર્ટ સાર્વજનિક થવાને કારણે આ કૌભાંડમાં સામેલ ખેલાડીઓનાં નામની ખબર પડે તેમ જ સારા ખેલાડીઓ પર આંગળી ઉઠાવવાની જરૂર ન પડે.

જોકે સુપ્રીમ કોર્ટે અત્યારે શ્રીનિવાસન વિશે કોઈ નિર્ણય લીધો નથી તેમ જ સમગ્ર કેસની સુનાવણી ૨૭ નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.