સચિને કહેલું, ૩ કિલો વજન ઘટાડો એટલે આપણે જીત્યા સમજો

07 November, 2014 03:34 AM IST  | 

સચિને કહેલું, ૩ કિલો વજન ઘટાડો એટલે આપણે જીત્યા સમજો



૨૦૧૧ના વર્લ્ડ કપમાં મેળવેલો વિજય સચિન તેન્ડુલકરની કરીઅરમાં સૌથી મહત્વનો હતો. વર્લ્ડ કપ જીતવા માટે તેન્ડુલકરે મેદાનમાં બનતું તમામ જોર લગાવી દીધું હતું. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં તેણે ૪૮૨ રન કર્યા હતા. ૨૦૧૧ની બીજી એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા એ ફાઇનલ જીતી હતી.

જોકે સચિન તેન્ડુલકરે મેદાનની બહાર પણ એક વિશેષ કામ કર્યું હતું. બુધવારે લોકાર્પણ થયેલી પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં તેણે આ મેગા ઇવેન્ટ માટે કઈ-કઈ તૈયારીઓ કરી હતી એનું વિશેષ વર્ણન કરતાં કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકાની ટેસ્ટ-સિરીઝ બાદ વન-ડે સિરીઝ હતી અને એ અમારી વર્લ્ડ કપ માટેની તૈયારીના ભાગરૂપ હતું. જોકે મારા જમણા હાથના સ્નાયુઓ ખેંચાતાં મારે સ્વદેશ પાછા ફરવું પડ્યું હતું, પણ મુંબઈ આવતાં પહેલાં મેં તમામ ખેલાડીઓને વધુ ચુસ્ત રહેવા માટે ૩ કિલો વજન ઘટાડવાની સલાહ આપી હતી. મેં મારું વચન પાળીને અંદાજે ૩.૮ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. મારા કેટલાક સાથીખેલાડીઓએ પણ એવું કર્યું હતું. મુંબઈ પાછો આવ્યા બાદ મેં માત્ર સૅલડ પર રહેવાનું શરૂ કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના ફિઝિયો પૅટ્રિક ફરહાદના માર્ગદર્શન હેઠળ આકરી કસરત કરવાનું શરૂ કર્યું જેમાં નિયમિત રીતે જિમ જઈને મારા શરીરને મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. આમ દેશમાં વર્લ્ડ કપ જીતવાનું અમારું સપનું સાકાર થયું હતું.’