28 March, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિસ્ફોટક બૅટર્સની સાથે બોલર્સ પણ મચાવશે તરખાટ તો જ હૈદરાબાદનો થશે સનરાઇઝ
IPL 2024માં સનરાઇઝ હૈદરાબાદે હાઇએસ્ટ ૨૮૭ રન કર્યા પછી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ૩૦૦ રનનો જાદુઈ આંકડો પણ આ જ ટીમ પાર કરશે. આ ટીમ પાસે અભિષેક શર્મા, ઈશાન કિશન, ટ્રૅવિસ હેડ, હેન્રિક ક્લાસેન, લિયામ લિવિંગસ્ટન, નીતીશ કુમાર રેડ્ડી રૂપે હરીફ બોલર્સના ગાભા કાઢી નાખે એવી મજબૂત બૅટિંગ લાઇન-અપ છે. વર્લ્ડ કપ સ્ટાર ઈશાન કિશન અને અભિષેક શર્માની આગેવાનીમાં આ ટીમ ટુર્નામેન્ટમાં વધુ આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઊતરશે.
ભૂતકાળની મૅચો પરથી ક્રિકેટજગતમાં ચર્ચા થતી રહે છે કે જેટલા રન આ ટીમના બૅટર્સ મારે છે એટલા જ રન એ મૅચમાં એમના બોલર્સ આપી દેતા હોય છે. પૅટ કમિન્સ, બ્રાયડન કાર્સ, જયદેવ ઉનડક્ટ, હર્ષલ પટેલ, શિવમ માવી, ઝીશાન અન્સારી, ઈશાન મલિંગા જેવા બોલર્સ પર ટીમના બોલિંગ-યુનિટની આ છબિ સુધારવાનું પ્રેશર રહેશે.
ટુર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે?
સનરાઇઝર્સ હૈદરાબાદ નામ હેઠળ આ ટીમ ૨૦૧૩થી રમી રહી છે. છેલ્લી ૧૩ સીઝનમાં આ ટીમ ૩ વખત ફાઇનલ મૅચ સહિત ૭ વખત પ્લેઑફમાં રમી છે. ૨૦૨૪ અને ૨૦૧૮ની આ રનર-અપ ટીમ ૨૦૧૬માં ટાઇટલ જીતી હતી.
હૈદરાબાદનો IPL રેકૉર્ડ
ટોટલ મૅચ - ૧૯૮
જીત - ૯૪
હાર - ૧૦૧
નો-રિઝલ્ટ - ૩
જીતની ટકાવારી - ૪૭.૪૭