ભારતીય ક્રિકેટ બોર્ડમાં ગાવસકર, શ્રીકાન્ત, રવિ શાસ્ત્રી અને ગાંગુલીનાં વ્યાપારી હિતો

18 December, 2014 06:49 AM IST  | 

ભારતીય ક્રિકેટ બોર્ડમાં ગાવસકર, શ્રીકાન્ત, રવિ શાસ્ત્રી અને ગાંગુલીનાં વ્યાપારી હિતો




ભારતીય ક્રિકેટ બોર્ડે વ્યાપારી હિત રાખનારા પ્રશાસકો અને સંચાલકોની યાદી ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર, ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રી અને સિલેક્શન કમિટીના સભ્ય ક્રિષ્ણામાચારી શ્રીકાંત ઉપરાંત સૌરવ ગાંગુલી અને વ્યંકટેશ પ્રસાદના નામનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રીમ કોર્ટમાં IPL સ્પોટ-ફિક્સિંગ મામલે મુદગલ સમિતિના રિપોર્ટ પર સુનાવણી ચાલી રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડમાં કયા-કયા અધિકારીઓ અને ખેલાડીઓ વ્યાપારી હિતો સાથે સંકળાયેલા છે એમની યાદી માગતાં ગઈ કાલે આ નામો આપવામાં આવ્યાં હતાં. દરમ્યાન સુપ્રીમ કોર્ટે શ્રીનિવાસનના ભારતીય ક્રિકેટ બોર્ડમાં ભવિષ્ય અને ચેન્નઇ સુપર કિંગ્સના ભવિષ્ય અંગેનો ચુકાદો મોકૂફ રાખ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે સુનીલ ગાવસકર, સૌરવ ગાંગુલી, રવિ શાસ્ત્રી અને કૃષ્ણામાચારી શ્રીકાંત જેવા કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ છે જેમનાં વ્યાપારી હિતો IPL અને ચૅમ્પિયન્સ લીગ T20 સાથે જોડાયેલાં છે. કોર્ટે એ જાણવા માગ્યું હતું કે સિલેક્શન કમિટીના અધ્યક્ષ હોવા છતાં શ્રીકાંત કઈ રીતે ચેન્નઈ સુપર કિંગ્સનો બ્રૅન્ડ ઍમ્બૅસેડર બની શકે છે. વળી એક કૉમેન્ટેટરનાં વ્યાવસાયિક હિત કઈ રીતે રમત સાથે હોઈ શકે છે એની પણ સ્પષ્ટતા કોર્ટે માગી છે. સુપ્રીમ કોર્ટને જ્યારે ગઈ કાલે ખેલાડીઓનાં નામની યાદી આપવામાં આવી તો આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે હિતોના ટકરાવને કારણે ક્રિકેટને ઘણું નુકસાન પહોંચ્યું છે.

સુનીલ ગાવસકરે આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘હું ભારતીય ક્રિકેટ બોર્ડનો અધિકારી નથી, મારું માત્ર વ્યાપારી હિત જ છે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ દરમ્યાન મને ટેક્નિકલ કમિટીનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ હું કોઈ પદ પર નથી. સુપ્રીમ કોર્ટે મને ત્ભ્ન્નો વચગાળાનો અધ્યક્ષ બનાવ્યો હતો, પરંતુ હવે હું બોર્ડના કોઈ પણ પદ પર નથી.’