...એટલે મને કૅપ્ટનપદેથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો : સુનીલ ગાવસકર

30 June, 2020 03:42 PM IST  |  Mumbai | Agencies

...એટલે મને કૅપ્ટનપદેથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો : સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકરને હજી પણ નથી ખબર કે ભારત ૧૯૭૮-’૭૯માં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ જીત્યું હોવા છતાં કૅપ્ટનપદેથી તેમને કેમ હટાવી દેવામાં આવ્યા હતા. એ સમયે એસ. વેન્કટરાઘવનને ટીમના કૅપ્ટન તરીકે પસંદ કરવામા આવ્યા હતા. આ વિશે સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘૧૯૭૮-’૭૯માં વેસ્ટ-ઇન્ડીઝ સામે સિરીઝ જીત્યા હોવા છતાં કૅપ્ટનપદેથી મને રિપ્લેસ કરવામાં આવ્યો હતો. આ સિરીઝમાં મેં ૭૦૦થી વધુ રન કર્યા હતા. મને હજી સુધી એનું કારણ નથી ખબર, પરંતુ હું અંદાજ લગાવું તો કહી શકું કે મને કૅરી પૅકર્સની વર્લ્ડ સિરીઝ ક્રિકેટ માટે મળેલી ઑફરને લઈને હું ખૂબ જ ઓપન હતો. જોકે મેં એના સિલેક્શન પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે કૉન્ટ્રૅક્ટ સાઇન કરી લીધો હતો એથી મારી પ્રામાણિકતા ક્યાં વધુ છે એની લોકોને ખબર જ હતી.’

ગાવસકરને હટાવી દીધા બાદ સિલેક્શન કમિટી બી. એસ. બેદીને પણ કાઢવાનું વિચારતી હતી. આ વિશે ગાવસકરે કહ્યું કે ‘ત્રણ ટેસ્ટ બાદ કમિટીએ મિસ્ટર. બી. એસ. બેદીને પણ ડ્રૉપ કરવાનું નક્કી કર્યું હતું. હું કૅપ્ટન તરીકે રિપ્લેસ થયો હતો અને પાકિસ્તાન સામેની સિરીઝ હારી ગયા બાદ તેઓ તરત જ બેદીને કાઢવા માગતા હતા. મેં દલીલ કરી કે તેઓ હજી પણ બેસ્ટ લેફ્ટ-આર્મ સ્પિનર છે. એટલે તેઓ નાછૂટકે પહેલી ટેસ્ટમાં તેમને સિલેક્ટ કરવા તૈયાર થયા હતા. કપિલ દેવ એ જ સમયે આવ્યો હતો. એ સમયે કરસન ઘાવરીએ ઇન્ડિયા માટે નવો બૉલ બનાવ્યો હતો. સ્પિનરો પહેલાં જેવી બોલિંગ કરી શકતા એવી હવે નહોતા કરી શકતા. બૅટિંગ માટે પિચ ખૂબ જ અદ્ભુત હતી, પરંતુ બોલર માટે એટલી જ નકામી. સિલેક્ટર્સ બીજી અને ત્રીજી ટેસ્ટ માટે તેને પડતો મૂકવા માગતા હતા, પરંતુ મેં એમ નહોતું કરવા દીધું.’

sunil gavaskar cricket news sports news west indies