બીજા વર્ષે પણ અગરવાલ ફૉર્મ જાળવી રાખે તો સારું : ગાવસકર

20 November, 2019 11:05 AM IST  |  New Delhi

બીજા વર્ષે પણ અગરવાલ ફૉર્મ જાળવી રાખે તો સારું : ગાવસકર

સુનીલ ગાવસકર

બંગલા દેશ સામે પહેલી ટેસ્ટ મૅચમાં ૨૪૩ રનની જબરદસ્ત ઇનિંગ્સ રમનાર મયંક અગરવાલની પ્રશંસા અટકવાનું નામ નથી લઈ રહી ત્યાં ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું છે કે બીજા વર્ષે પણ જો મયંક પોતાનું આ ફૉર્મ જાળવી રાખે તો સારું.
મયંકે ડિસેમ્બર ૨૦૧૮માં ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કર્યું હતું અને એક વર્ષના ગાળામાં તે આઠ ટેસ્ટ મૅચ રમી ચૂક્યો છે. આ આઠ મૅચમાં તેણે બે વાર ડબલ સેન્ચુરી ફટકારી છે. તેના આ શાનદાર ફૉર્મ વિશે સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘મયંક ટેસ્ટ ક્રિકેટ માણી રહ્યો છે. આ તેનું પહેલું વર્ષ છે અને આ‍વતા વર્ષે પણ તે આ ફૉર્મ જાળવી રાખે તો સારું, કેમ કે બીજા વર્ષે સામેવાળી ટીમ પાસે તેની ગેમ વિશે અનેક માહિતી, અનેક ડેટા હશે છતાં તે ફૉર્મ જાળવીને સારી રીતે બૅટિંગ કરી શકે છે. તે ફ્રન્ટ અને બૅકફુટ પર રમે છે એ ખૂબ લાજવાબ છે. ઑફસાઇડ પર બૅલૅન્સ ગુમાવ્યા વિના તે સારી રીતે રમી શકે છે. તેની આ ગેમ જોઈને ખબર પડે છે કે તે રમતી વખતે કેટલો આત્મવિશ્વાસ રાખે છે.’
આ ઉપરાંત ગાવસકરે મોહમ્મદ શમીની બોલિંગનાં પણ વખાણ કર્યાં હતાં. બાવીસમી નવેમ્બરે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને બંગલા દેશ પિન્ક બૉલ વડે પહેલી વાર ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમશે.

sunil gavaskar sports news