ટેસ્ટ ડેબ્યુની ગોલ્ડન જ્યુબિલી બદલ ગાવસકર સન્માનિત

07 March, 2021 11:30 AM IST  |  Ahmedabad | Agency

ટેસ્ટ ડેબ્યુની ગોલ્ડન જ્યુબિલી બદલ ગાવસકર સન્માનિત

ખાસ બનાવાયેલી ઇન્ડિયા ટેસ્ટ-કૅપ સાથે સુનીલ ગાવસકર

ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને લેજન્ડ સુનીલ ગાવસકરે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી એને ગઈ કાલે ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં, જેના અનુસંધાનમાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનું કાચના બૉક્સમાં મઢેલી ટેસ્ટ-કૅપ આપીને બહુમાન કર્યું હતું.

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે લંચ-બ્રેક દરમ્યાન જય શાહે આ દિગ્ગજ પ્લેયરનું સન્માન કર્યું હતું.

આ વિશે બીસીસીઆઇએ ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘આજે અમે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને લેજન્ડ શ્રી સુનીલ ગાવસકરે ટેસ્ટ ક્રિકેટમાં ડેમ્યુ કર્યું એનાં ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.’

ઉલ્લેખનીય છે કે અમદાવાદના આ જ સ્ટેડિયમમાં ગાવસકરે ૧૯૮૭ની ૭ માર્ચે ૧૦,૦૦૦ ટેસ્ટ રન પૂરા કર્યા હતા. ત્યારે તેઓ ટેસ્ટમાં ૧૦,૦૦૦મો રન બનાવનાર સૌપ્રથમ ખેલાડી બન્યા હતા. ૧૯૭૧થી ૧૯૮૭ સુધી ભારત વતી તેમણે ૧૨૫ ટેસ્ટ અને ૧૦૮ વન-ડેમાં અનુક્રમે ૧૦,૧૨૨ અને ૩,૦૯૨ રન બનાવ્યા હતા.

ગાવસકર જ મારા હીરો રહેશે : તેન્ડુલકર

સુનીલ ગાવસકરે ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટમાં કરેલા ડેબ્યુને ૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરે પોતાના મનની વાત ટ‍્વિટર પર કહીને ગાવસકરને શુભેચ્છા આપી હતી અને તેમને પોતાના કાયમી હીરો ગણાવ્યા હતા.

સચિન તેન્ડુલકરે તેમના વિશે કહ્યું કે ‘૫૦ વર્ષ પહેલાં તેમણે ક્રિકેટજગતમાં આગમન કર્યું હતું. પોતાની ડેબ્યુ સિરીઝમાં તેમણે ૭૭૪ રન બનાવ્યા હતા અને અમે બધા તેમને અમારા હીરો ગણીને મોટા થયા છીએ. ભારત વેસ્ટ ઇન્ડીઝમાં સિરીઝ જીત્યું એ પછી ઇંગ્લૅન્ડમાં જીત્યું, જેને લીધે ભારતમાં સ્પોર્ટ્સની વ્યાખ્યા બદલાઈ ગઈ. હું નાનો હતો ત્યારે મને ખબર હતી આ એક એવી હસ્તી છે જેમના પરથી પ્રેરણા લઈને હું તેમના જેવો બનવાનો પ્રયાસ કરી શકું છું. મારા માટે એ વાત ક્યારેય નહીં બદલાય. તેઓ હંમેશાં મારા હીરો રહેશે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૫૦ વર્ષ પૂરાં કરવા બદલ અભિનંદન, ગાવસકર.’

sunil gavaskar cricket news sports news